પીએમના અપમાન મામલે પટનામાં ભાજપનો ઉગ્ર વિરોધ, અપશબ્દો બલનાર આરોપીને દરભંગામાંથી પોલીસે દબોચ્યો

બિહારના દરભંગામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો હતો. જેને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 29 ઓગસ્ટ એટલે કે આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે અને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે.
27 ઓગસ્ટના રોજ દરભંગામાં યોજાયેલી ‘મતદાર અધિકાર રેલી’માં વડાપ્રધાન મોદી અને તેમની માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના પગલે ભાજપ કાર્યકરોએ પટનાના કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ‘સદાકત આશ્રમ’ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના આક્ષેપ છે કે કોંગ્રેસ અને આરજેડીએ આ રેલીમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. વિરોધ દરમિયાન ભાજપ કાર્યકરોએ કાર્યાલયનો દરવાજો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને ઈંટ-પથ્થરોની આપલે થઈ.
કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપ કાર્યકરોએ ‘સદાકત આશ્રમ’ના દરવાજા તોડી, અંદર ઘૂસીને તોડફોડ કરી અને કાર્યકરો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક કોંગ્રેસ કાર્યકરોને ઈજા થઈ, જેમાં એકનું માથું ફાટી ગયું. કોંગ્રેસે આ હુમલાને ભાજપનું આયોજિત કાવતરું ગણાવ્યું. બીજી તરફ, ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ વિરુદ્ધ નારેબાજી કરી, મોદીના અપમાનનો વિરોધ નોંધાવ્યો. પોલીસે હળવો બળપ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લીધી અને બંને પક્ષના કાર્યકરોને દૂર કર્યા.
આરોપીની ધરપકડ
બીજી બાજુ બિહાર પોલીસે વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરનાર આરોપી રિઝવી ઉર્ફે રાજાની દરભંગામાંમાથી ધરપકડ કરી હતી. આ ઘટના દરમિયાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સ્ટેજ પર હાજર ન હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની ટીકા કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોંગ્રેસ અને આરજેડીની આ અભદ્ર ભાષા લોકશાહીને કલંકિત કરે છે. તેમણે રાહુલ ગાંધીની રાજનીતિને નીચા સ્તરની ગણાવી અને કહ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતા મોદીને કોંગ્રેસ સહન નથી કરી શકતી.
અમિત શાહે આ ઘટનાને દરેક માતા અને દીકરાનું અપમાન ગણાવ્યું, જેના માટે દેશના 140 કરોડ લોકો કોંગ્રેસને માફ નહીં કરે એવો દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે મોદી વિરુદ્ધ નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું છે, અને સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના રાજકીય સંસ્કૃતિમાં શબ્દોના ઉપયોગ અને મર્યાદા પર નવી ચર્ચા ઉભી કરે છે.
આપણ વાંચો: ભાજપ શાસિત રાજ્યમાં મહિલાઓને મળશે મહિને 2100 રૂપિયા, શું છે યોજનાનું નામ અને ક્યારથી અમલ ?