દિલ્હી પોલીસે બંગાળીને બાંગ્લાદેશી ભાષા ગણાવતા મમતા બેનર્જી લાલધૂમ; જાણો શું કહ્યું

નવી દિલ્હી: ભારતના અલગ લાગ રાજ્યોમાં ભાષા મામલે ઘણા વિવાદો ચાલી રહ્યા છે, એવામાં હજુ એક ભાષા વિવાદનો ઉમેરો થયો છે. દિલ્હી પોલીસે કથિત રીતે બંગાળી ભાષાને ‘બાંગ્લાદેશી ભાષા’ ગણાવતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સખત વિરોધ (Bengali Bangladesh Language row) નોંધાવ્યો છે, તેમને કેન્દ્ર સરકાર અને ભાજપને બંગાળ વિરોધી ગણાવી હતી. બેનર્જી ઉપરાંત કમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના કેટલાક નેતાઓએ પણ દિલ્હી પોલીસ અને ભારત સરકારી ટીકા કરી છે, જ્યારે ભાજપે મમતા પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારના સત્તાવાર ગેસ્ટ હાઉસ બંગા ભવનના પ્રભારી અધિકારીને કથિત રીતે દિલ્હી પોલીસે લખેલો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વિવાદ શરુ થયો હતો. દિલ્હી પોલીસે પકડેલા ગેરકાયદે બાંગ્લાદેશથી ઇમિગ્રન્ટ્સ પાસેથી મળેલા દસ્તાવેજોના અનુવાદમાં માટે બંગા ભવનના અધિકારીઓની મદદ માંગી હતી. દિલ્હી પોલીસે લખેલા પત્રમાં બંગાળી ભાષાનો “બાંગ્લાદેશી ભાષા” તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, જેની સામે મમતા બેનર્જી રોષે ભરાયા છે.
‘આ બંગાળીઓનું અપમાન’
મમતા બેનર્જીએ દિલ્હી પોલીસની આ ટીપ્પણીને બંગાળી વિરોધી ગણાવી. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને લખ્યું, જુઓ હવે ભારત સરકારના ગૃહ મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળની દિલ્હી પોલીસ બંગાળીને “બાંગ્લાદેશી” ભાષા ગણાવી રહ્યા છે. બંગાળી, આપણી માતૃભાષા, રવીન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદની ભાષા, આ ભાષામાં જ આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર ગાન લખાયા છે. બંગાળી ભાષામાં કરોડો ભારતીયો બોલે છે અને લખે છે, જે ભાષા પવિત્ર છે અને ભારતના બંધારણ દ્વારા માન્યતા આપવામાં આવી છે, તેને હવે બાંગ્લાદેશી ભાષા ગણાવવામાં આવી રહી છે!!
તેમને દિલ્હી પોલીસના આ પત્રને નિંદાત્મક, અપમાનજનક, રાષ્ટ્રવિરોધી, ગેરબંધારણીય ગણાવ્યો. તેમણે બંગાળીઓને હાકલ કરતા કહ્યું કે અમે ભારતની બંગાળી વિરોધી સરકાર સામે તાત્કાલિક મજબૂત વિરોધ દર્શાવવા વિનંતી કરીએ છીએ. સરકાર ભારતના બંગાળી ભાષી લોકોનું અપમાન કરવા અને અપમાનિત કરવા માટે આવી બંધારણવિરોધી વલણ દાખવી રહી છે.
CPI(M) એ પણ વિરોધ દાખવ્યો:
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)એ પણ કહ્યું કે ભારતમાં કરોડો લોકો બંગાળી બોલે છે, CPI(M)એ કહ્યું, “દિલ્હી પોલીસ બંગાળીને બાંગ્લાદેશી ગણાવી રહી છે. અમે ભાષા અને ઓળખના આ અપરાધીકરણની સખત નિંદા કરીએ છીએ.”
બંગાળી કલાકારોનો વીરોધ:
દિલ્હી પોલીસના પત્રની સામે બંગાળી કલાકારો પણ વિરોધ દાખવી રહ્યા છે, ફિલ્મ દિગ્દર્શક શ્રીજીત મુખર્જીએ X પર પોસ્ટ કરીને લખ્યું, “તે બાંગ્લાદેશી ભાષા નથી… તે બાંગ્લા કે બંગાળી છે, એ જ ભાષા જેમાં રાષ્ટ્રગીત લખાયેલું હતું અને જે ભારતની 22 સત્તાવાર ભાષાઓમાંની એક છે.”
ભાજપના વળતા આરોપ:
ભાજપે મમતા બેનર્જી પર વળતા આરોપ લગાવ્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મમતા પર “વોટ-બેંક રાજકારણ” માટે ફેક ઇન્ફોર્મેશન ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેમણે મમતા બેનર્જીની પોસ્ટને “રાજકીય સ્ટંટ” ગણાવી.
આ પણ વાંચો…પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નીતિ આયોગને લખ્યો પત્ર, કરી આ માંગ…