‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતા: ભારતમાં 150 ‘વંદે ભારત ટ્રેન’નો રેકોર્ડ, હવે 200 ટ્રેનોનો લક્ષ્યાંક…
આધુનિક અને સેમી હાઈ સ્પીડ ટ્રેન 'એવિયેશન ઈન્ડસ્ટ્રી'ને ટક્કર આપવા તૈયાર

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના નેટવર્કમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જ્યારે તેમાં આધુનિકતા અને ઝડપનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં ભારતીય રેલવેએ આધુનિક વંદે ભારત ટ્રેનનો ઉમેરો કર્યો હતો, જેની સંખ્યા વધીને હવે 150 થઈ છે.
આ બાબત અંગે રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું હતું કે સરકારનો લક્ષ્યાંક સંપૂર્ણ રીતે આધુનિક બનાવવા અને પ્રવાસીઓને ઉચ્ચ સ્તરીય પ્રવાસની સુવિધા પૂરી પાડવાનો છે, જેમાં ખાસ કરીને મેક ઈન્ડિયાનો પ્રયોગ પણ સફળ રહ્યો છે.

ચાર દિવસમાં છ ટ્રેનનો ઉમેરો
આ અગાઉ દેશમાં છઠ્ઠી ઓગસ્ટ સુધીમાં 144 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવતી હતી, પરંતુ દસમી ઓગસ્ટ એટલે આજથી નવી ત્રણ જોડી (છ નવી ટ્રેન) મળીને કુલ વંદે ભારતની સંખ્યા 150 થઈ છે. વંદે ભારત ટ્રેનની ખાસિયતમાં ખાસ કરીને સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જે ભારતીય રેલવેએ ડિઝાઈન તૈયાર કરી છે.

મેક ઈન ઈન્ડિયાની સફળતા સાથે ભારતીય રેલવેની આધુનિકતાને લઈ સ્પીડની દૃષ્ટિએ પણ એવિયેશન ઈન્ડસ્ટ્રીને ટક્કર આપવા માટે સજ્જ બની રહ્યું હોવાનું રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
વંદે ભારતની ખાસિયતો પણ જાણો
આ ટ્રેન ખાસ કરીને પ્રવાસીઓને આરામદાયક મુસાફરી અને સુરક્ષાની દૃષ્ટિએ તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનમાં એક્સલરેશન ક્ષમતા હોય કે કવચ સિસ્ટમ જેવી આધુનિક ટેક્નિકથી સજ્જ છે. ટ્રેન કવચ સિસ્ટમથી સજ્જ છે, જેમાં ઓટોમેટિક ડોર અને રિક્લાઈનિંગ સીટની વ્યવસ્થા છે.

ઉપરાંત, ટ્રેનમાં મિનિ પેન્ટ્રી, બોટલ કૂલર, ડીપ ફ્રીજર અને ગરમ પાણીની પણ સુવિધા મળી રહે છે. એક્ઝક્યુટિવ ક્લાસમાં રોલિંગ સીટ, મોબાઈલ ચાર્જિંગ સોકેટ તથા દિવ્યાંગ પ્રવાસીઓ માટે સ્પેશિયલ શૌચાલય તથા સમગ્ર ટ્રેન સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે.
એપ્રિલથી જૂનમાં 93 લાખ પ્રવાસીની મુસાફરી
વંદે ભારત ટ્રેનની વધતી લોકપ્રિયતાની વાત કરીએ તો 2024-25માં ટ્રેનમાં ત્રણ કરોડ પ્રવાસીએ મુસાફરી કરી હતી, જેમાંથી એપ્રિલથી જૂન 2025 વચ્ચે 93 લાખ પ્રવાસીએ ટ્રેનમાં મુસાફરી કરી. અત્યાર સુધીમાં સાડા છ કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી છે. વંદે ભારત ટ્રેનને લોન્ચ કરવામાં આવ્યા પછી તેમાં ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.

200 વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુથી કર્ણાટકના બેલગાવી વચ્ચે નવી વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. ટ્રેનમાં મુસાફરી કરવાની સાથે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. એના સિવાય વડા પ્રધાને અન્ય બે રુટ્સ અમૃતસરથી માતા વૈષ્ણેદેવી કટરા અને નાગપુરથી પુણેનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા હવે અગિયાર થશે. અત્યાર સુધીમાં દેશના 24 રાજ્યમાં વંદે ભારત ટ્રેન દોડાવાય છે, જ્યારે ત્રણ વર્ષમાં 200 વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…Budget 2025: Vande Bharat ટ્રેનથી લઈને બુલેટ ટ્રેનના કોરિડોર માટે શું થઈ ફાળવણી?