ઉત્તરાખંડના પિથોરાગઢમાં મોટો અકસ્માતઃ બોલેરો 150 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં આઠનાં મોત

પિથોરાગઢ: ઉત્તરાખંડમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આજે રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોને લઈને જતી એક બોલેરો પિથોરાગઢ રોડ પાસેથી પસાર થતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. હાઈ-વે પરથી પસાર થતી બોલેરો લગભગ દોઢસો ફૂટ ઊંડી ખીણમાં નીચે ખાબકવાને કારણે મોટી જાનહાનિ થઈ હતી.
જીપમાં સવાર 8 મુસાફરોનાં મોત
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક મેક્સ જીપમાં 13 મુસાફરો સવાર હતા. બોલેરો પિથોરાગઢના મુવાનીથી બોકટા તરફ જઈ રહી હતી. ત્યારે પિથોરાગઢ રોડ પર આવેલા ભંડારી ગામ પાસેની નદીમાં અચાનક બોલેરોના ડ્રાઈવરે સંતુલન ગુમવતા ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 13 પૈકીના 8 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં, જ્યારે પાંચ મુસાફર ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના ડોડામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 17 ઘાયલ
દુર્ઘટના અંગેની જાણ થતા સ્થાનિકો, પોલીસ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને નદીમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજુ લોકોની શોધખોળ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો
પિથોરાગઢ જિલ્લામાં થયેલી દુર્ઘટનાને લઈને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે એકસ પર લખ્યું કે, “પિથોરાગઢ જિલ્લાના મુવાની વિસ્તારમાં વાહન અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ અપાર પીડા સહન કરવાની શક્તિ આપે. મેં જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે, હું દરેકના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
આ પણ વાંચો: અમરનાથ યાત્રાના કાફલાને કુલગામ નજીક અકસ્માત નડ્યો, 10 શ્રદ્ધાળુઓ ઘાયલ
સીએમ પુષ્કર સિંહ ધામીએ આગળ લખ્યું હતું કે, “અકસ્માત બાદ, વહીવટીતંત્ર સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચલાવી રહ્યું છે. બધા મૃતકો પ્રવાસીઓ હતા અને કેટલાક સ્થાનિક લોકો પણ હતા. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.” અહીં એ જણાવવાનું કે આજે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ અકસ્માતમાં પાંચ લોકો માર્યા ગયા હતા.