મહુઆ મોઈત્રાને મોટી રાહત: ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં CBI ચાર્જશીટ પર હાઈ કોર્ટનો સ્ટે

નવી દિલ્હી: 17મી લોકસભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
અદાણી વિરૂદ્ધ પ્રશ્નો પૂછવાના બદલામાં મહુઆ મોઇત્રાએ પૈસા તથા મોંઘી ભેટ લીધી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકપાલની સૂચનાઓ બાદ CBIએ કેશ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી અને ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે આ કેસને લઈને મહુઆ મોઇત્રાને મોટી રાહત મળી છે.
લોકપાલના નિર્ણય પર લાગી રોક
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ લોકપાલના નિર્ણયને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. મહુઆ મોઇત્રાની અરજી પર દિલ્હી હાઈ કોર્ટની બે ન્યાયધીશોની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી.
ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી હાઈ કોર્ટે મહુઆ મોઇત્રા વિરૂદ્ધ સીબીઆઈને ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપતા લોકપાલના નિર્ણય પર રોક લગાવી દીધી છે.
આપણ વાચો: ટીએમસીમાં આંતરિક કલહ: મહુઆ મોઇત્રાના લગ્ન પર કલ્યાણ બેનર્જીની વિવાદાસ્પદ ટિપ્પણી
સીબીઆઈની કાર્યવાહી પર સ્ટેની માંગ
દિલ્હી હાઈ કોર્ટની ખંડપીઠે લોકપાલને વિચારવિમર્શ કરીને એક મહિનાની અંદર નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. ખંડપીઠની સુનાવણી બાદ મહુઆ મોઇત્રાના વકીલ નિધેશ ગુપ્તાએ દલીલ કરી હતી કે, લોકપાલે તેમની વાતો પર વિચાર કર્યા વગર સીબીઆઈને ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી આપી હતી.
તેથી મહુઆ મોઇત્રાને લઈને ચાલી રહેલી સીબીઆઈની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ ખંડપીઠે આ માંગને નકારી કાઢી હતી.
આપણ વાચો: TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યા બીજા લગ્ન? જાણો કોણ છે તેમના ‘જીવનસાથી’ પિનાકી મિશ્રા
મહુઆ મોઇત્રાએ ગુમાવ્યું હતું MPનું પદ
ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા 17મી લોકસભા દરમિયાન તેમણે સંસદમાં પૂછેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો દર્શન હિરાનંદાની અને તેની કંપનીના વ્યવસાયિક હિતોનું રક્ષણ કરવા માટે પૂંછ્યા હતા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ આરોપો અને સીબીઆઈની કાર્યવાહીને લઈને 17મી લોકસભામાં મહુઆ મોઇત્રાએ પોતાનું સંસદનું સભ્યપદ પણ ગુમાવ્યું હતું.



