
નવી દિલ્હી/મુંબઈઃ મહારાષ્ટ્રમાં રખડી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ જાન્યુઆરી 2026ના અંત સુધી યોજવા માટેની માંગ કરતી અરજી રાજ્ય ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 31 જાન્યુઆરી, 2026 સુધીની સમયમર્યાદા લંબાવી આપી છે. ચૂંટણી પંચે હવે આ ચૂંટણીઓ 31 જાન્યુઆરી સુધીમાં યોજવાની રહેશે.
કમિશને સ્ટાફની અછત, EVM સમસ્યાના વિવિધ કારણો આપ્યા
‘મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ ચૂંટણી પંચને 31 જાન્યુઆરી, 2026 સુધીનો સમય આપ્યો છે. આનાથી ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. આ મુદત વધારવા માટે કમિશને સ્ટાફની અછત, EVM સમસ્યા અને તહેવારો સહિતના વિવિધ કારણો આપ્યા હતા. કોર્ટે કમિશનના મુદ્દાઓની નોંધ લીધી છે અને તેમને ચૂંટણી યોજવા માટે મુદત વધારી આપી છે.
OBC અનામત અને અન્ય વિવિધ કારણોસર લંબાતી જાય છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી OBC અનામત અને અન્ય વિવિધ કારણોસર લંબાતી જાય છે. સુપ્રીમ કોર્ટે આખરે મે મહિનામાં સુનાવણી દરમિયાન ચૂંટણી પરનો સ્ટે ઉઠાવી લીધો અને ચૂંટણી પંચને ચાર મહિનાની અંદર એટલે કે ઓક્ટોબર 2025 સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો.
નવા આદેશ પ્રમાણે પંચે વોર્ડનું પુનર્ગઠન, અનામત, મતદાર યાદીઓનું અપડેટ વગેરે પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, સ્ટાફની અછત અને અન્ય કારણોને ટાંકીને, ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે સમયમર્યાદા વધારવાની માંગ કરી હતી. કોર્ટે આ માંગણી સ્વીકારી લીધી છે.
જો કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પ્રકારની ચૂંટણીઓ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં યોજવી આવશ્યક છે. રાજ્ય ચૂંટણી પંચને પણ તેમની માંગણીઓ અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવા કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કમિશનને EVMની માંગ અને કર્મચારીઓની માંગ અંગે રાજ્યના મુખ્ય સચિવને પત્ર મોકલવા જણાવ્યું છે.
કોર્ટે કમિશનને બધી માંગણીઓ કેવી રીતે પૂર્ણ કરી શકાય અને તબક્કાવાર કામ અંગેનું સમયપત્રક આપ્યું છે. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે “ચૂંટણી પંચે, અગાઉની સુનાવણી દરમિયાન ચાર મહિનામાં ચૂંટણીઓ યોજવા કહ્યું હતું પરંતુ, એવું લાગે છે કે તે બેદરકાર બની ગયું છે.”
આ પણ વાંચો…શિવસેના (યુબીટી) અને મનસે મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ‘ચોક્કસ’ ભેગા લડશે: રાઉત