Mahakumbh 2025:માઘ પૂર્ણિમા સ્નાન પૂર્વે પોલીસ કમિશ્નરની અપીલ, કહ્યું મેળા વિસ્તારમાં અફવા ના ફેલાવો
![Mahakumbh 2025](/wp-content/uploads/2025/02/Mahakumbh202-ezgif.com-resize.webp)
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં (Mahakumbh 2025)શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે. જ્યારે પાંચમું અમૃત સ્નાન 12 ફેબ્રુઆરીને બુધવારના રોજ છે.ત્યારે બુધવારનો દિવસ રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટેની વ્યવસ્થા અંગે પ્રયાગરાજ પોલીસ કમિશનર તરુણ ગાબાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, યુપી પોલીસ અને યુપી સરકાર મહાકુંભમાં આવતા ભક્તોને સુખદ અને સરળ અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રાફિક માટેની યોજનાઓ મહિનાઓ પહેલા બનાવવામાં આવી હતી. જેનો અમે સફળતાપૂર્વક અમલ કરી રહ્યા છીએ.
આપણ વાંચો: મહાકુંભમાં ડૂબકી ઈચ્છા અધૂરી રહી ગઈઃ ટ્રાફિક જામ અને ભીડને લીધે ગુજરાતના પરિવારો પાછા ફર્યા
રસ્તાઓ પર ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે
તેમણે વધુમાં કહ્યું કે, ‘કેટલીક વાર સપ્તાહના અંતે અને તેની વચ્ચે મોટી સંખ્યામાં વાહનોના લીધે તૈનાત વહીવટી અધિકારીઓ અને પોલીસ દળે અથાક પ્રયાસો કર્યા છે. જે પણ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો સફળતાપૂર્વક ઉકેલ લાવ્યા છે. મેળા વિસ્તાર અને પ્રયાગરાજ તરફ જતા તમામ રસ્તાઓ પર ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. શહેરની અંદર પણ કોઈ ટ્રાફિક જામ નથી.
દરેક વ્યક્તિએ સંગમની નજીક આવવાનો પ્રયાસ ન કરવો
તેમણે લોકોને અપીલ કરતા કહ્યું, ‘અહીં આવતા તમામ ભક્તોને વિનંતી છે કે તેઓ તેમના રૂટ પરના પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કરે, અને દરેક વ્યક્તિએ સંગમની નજીક આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે વિવિધ રૂટ પર અલગ અલગ વ્યવસ્થા છે. ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક સુચારુ રીતે ચાલુ રહે તે માટે અમે દિવસ-રાત વ્યવસ્થા કરવામાં રોકાયેલા છીએ.
આપણ વાંચો: મહાકુંભમાં અમૃત સ્નાન પહેલા CM યોગી આદિત્યનાથે આપ્યા કડક નિર્દેશ
ટ્રાફિક વાહનો પર એઆઇ કેમેરા મોનિટરિંગ
ટ્રાફિક નિયમો અંગે તેમણે કહ્યું, એઆઇ સક્ષમ કેમેરાનો ઉપયોગ કરવાની સાથે અમે ટોલ અને નજીકના જિલ્લા અધિકારીઓ પાસેથી પણ માહિતી મેળવીએ છીએ કે કયા રૂટ પરથી કેટલા વાહનો આવી રહ્યા છે. જેથી તે રૂટ પર યોગ્ય વ્યવસ્થા કરી શકાય.
કલ્પવાસીઓ માટે એક અલગ ટ્રાફિક પ્લાન
માઘ પૂર્ણિમાના સ્નાનના એક દિવસ પહેલા સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, પ્રયાગરાજ શહેરમાં સાંજથી વાહનો પર પણ પ્રતિબંધ રહેશે. જ્યારે મેળા વિસ્તારમાં રહેતા કલ્પવાસીઓ માટે એક અલગ ટ્રાફિક પ્લાન બનાવવામાં આવ્યો છે અને બધાને તેના વિશે જાણ કરવામાં આવી છે.
લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ
પોલીસ કમિશનર પ્રયાગરાજ તરુણ ગાબાએ જણાવ્યું હતું કે – સામાન્ય જનતાને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી કે અફવાઓ ન ફેલાવે. ટ્રાફિક સંબંધિત ગમે તેટલા પડકારો આવ્યા હોય, અમે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરીને અને અથાક પ્રયાસો કરીને બધી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા છીએ.