મહાદેવ સટ્ટા એપ કેસ: ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ, ED મોકલશે સમન્સ

નવી દિલ્હી: મહાદેવ બેટિંગ એપ મામલે છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલને EDનું તેડું આવે તેવી પ્રબળ શક્યતાઓ ઉભી થઇ છે. EDએ બનાવેલી ચાર્જશીટમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આરોપી અસીમ દાસનું કહેવું છે કે કૌભાંડમાંથી મળેલા પૈસામાં બઘેલનો ભાગ હતો. જે તેમણે ચૂંટણી દરમિયાન વપરાશમાં લીધો હોવાનું બની શકે. આ કેસમાં મુંબઇથી પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઇ ક્રાઇમ બ્રાંચની SIT દ્વારા દિક્ષીત કોઠારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે પછી તેને કોર્ટમાં રજૂ કરી 11 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે કોઠારી બેટિંગ એપનું સંચાલન કરતો હતો. તેના પર વિદેશમાં ડોમેઇન રજીસ્ટર કરીને ભારતમાં બેટિંગ એપ ચલાવવાનો આરોપ છે.
આ ઉપરાંત મહાદેવ બેટિંગ એપ કેસમાં આરોપી અસીમ દાસે પોતાના નિવેદનમાં ભૂપેશ બઘેલનું નામ લીધું હતું. તેણે જણાવ્યું હતું કે બઘેલને ચૂંટણી દરમિયાન મહાદેવ એપ પ્રમોટર્સ દ્વારા 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. EDએ આરોપી અસીમ દાસના તાબા હેઠળની એક જગ્યાએ દરોડા પાડી 5 કરોડ 39 લાખ રૂપિયા રિકવર કર્યા હતા. ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં અસીમ દાસ ઉપરાંત શુભમ સોની, અમિત અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ નામના અન્ય આરોપીઓનો પણ ઉલ્લેખ છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ED દ્વારા ગત 1 જાન્યુઆરીએ લગભગ 1,700-1,800 પાનાની નવી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 5 લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આમાં કથિત કેશ કુરિયર અસીમ દાસ, પોલીસ કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવ, શુભમ સોની, એપ સાથે સંકળાયેલા મુખ્ય કાર્યકારી અને અન્યનો સમાવેશ થાય છે. EDના વકીલ સૌરભ પાંડેએ કહ્યું કે સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ 10 જાન્યુઆરીએ ચાર્જશીટનું સંજ્ઞાન લેશે તેવી અપેક્ષા છે.
મહાદેવ બેટિંગ એપના કથિત માલિક સોનીએ પહેલા એક વીડિયોમાં નિવેદન અને EDને આપેલા એક સોગંદનામામાં દાવો કર્યો હતો કે કોઇ પ્રકારની કાયદાકીય તપાસ વગર એપના વ્યવહારો ચલાવવા માટે અનેક નેતાઓ તથા મંત્રીઓએ લાંચ લીધી હતી, જેના તેની પાસે પુરાવા પણ છે. EDએ રાયપુરમાં વિશેષ PMLA કોર્ટમાં ચંદ્રાકર અને ઉપ્પલ સહિત અનેક નેતાઓના નામોનો ઉલ્લેખ કર્યો હતો.