
હિંદુ ધર્મમાં આધ્યાત્મિક મેળામાં સૌથી વિશેષ ગણાતો અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક એવો માઘ મેળો દર વર્ષે પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમના તટ પર યોજાય છે. આ મેળો એક મહિના સુધી ચાલે છે અને તેને તપ, સાધના, સંયમ અને જાગરણનો મહાપર્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના આ સંગમમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇતિહાસકારો મુજબ, આ મેળો હજારો વર્ષોથી સતત યોજાતો આવ્યો છે અને સમયની સાથે તેની ભવ્યતામાં વધારો થયો છે.
પંચાંગ મુજબ, વર્ષ 2026માં માઘ મેળાની શરૂઆત પૌષ પૂર્ણિમાના પવિત્ર દિવસે થશે અને તેનું સમાપન મહાશિવરાત્રિના દિવસે થશે. આ મુજબ, માઘ મેળો 3 જાન્યુઆરી 2026ના રોજ શરૂ થઈને 15 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. સમગ્ર માઘ મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ સંગમ તટ પર આવીને સ્નાન, પૂજા અને કલ્પવાસ કરીને આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે. આ એક મહિનાના સમયગાળા દરમિયાન છ મુખ્ય પવિત્ર સ્નાન કરવામાં આવશે, જેમાં મૌની અમાસના સ્નાનને સૌથી વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

માઘ મેળા દરમિયાન આવતા પવિત્ર સ્નાન તપ અને દાન માટે અત્યંત શુભ માનવામાં આવે છે. જેના છે મુખ્ય સ્નાન હોય છે, જેમાં પહેલું સ્નાન પૌષ પૂર્ણિમા એટલે 3 જાન્યુઆરીના દિવસે થશે. આ દિવસે મેળાનું શુભારંભ થાય છે અને કલ્પવાસની શરૂઆત થાય છે. જ્યારે બીજું સ્નાન મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2026ના યોજાશે. જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસને બીજું શાહી માઘ સ્નાન માનવામાં આવે છે.
ત્રીજું મૌની અમાસ 18 જાન્યુઆરી 2026ના થશે. આ માઘ મેળાનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ સ્નાન પર્વ છે. આ દિવસે મૌન સાધના અને દાનનું વિશેષ ફળ મળે છે. ચોથું મુખ્ય સ્નાન 23 જાન્યુઆરીના વસંત પંચમીના દિવસે યોજાશે. 1 ફેબ્રુઆરીના માઘી પૂર્ણિમાની તીથી કલ્પવાસીઓ માટે વિશેષ મહત્વ છે. આ પાંચમું મોટું સ્નાન છે. જે બાદ 15 ફેબ્રુઆરીના મહાશિવરાત્રી માઘ મેળાનું સમાપન થાય છે. આ પાવન અવસરે અંતિમ સ્નાન થશે. આ દિવસે શિવ ઉપવાસ અને ધ્યાનનું વિશેષ મહત્વ હોઈ છે.
કલ્પવાસનું પૌરાણિક મહત્વ
પ્રાચીનકાળથી અક્ષયવટ, સરસ્વતી કૂપ અને ત્રિવેણી ક્ષેત્રને તપસ્યાની ભૂમિ માનવામાં આવે છે. માઘ મેળા દરમિયાન કલ્પવાસનું મહત્વ છે. જે શ્રદ્ધાળુઓ કલ્પવાસ કરે છે, તેઓ આ એક મહિના દરમિયાન સંયમ, સાદગી અને ધાર્મિક નિયમોનું પાલન કરીને તપસ્યા કરે છે. માનવામાં આવે છે કે કલ્પવાસ દ્વારા મનુષ્યના જીવનમાં સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પર્વ માત્ર એક મેળો નથી, પરંતુ હિંદુ સંસ્કૃતિમાં ત્યાગ, ધર્મ અને આધ્યાત્મિક જાગરણનું પ્રતીક છે.



