મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ ‘મિલકત’ તરીકે સ્વીકારી

મદ્રાસ હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ મિલકત તરીકે સ્વીકારી છે, જે એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ ચુકાદો વજીરએક્સ પ્લેટફોર્મ પર સાયબર હુમલા પછી એક રોકાણકારની XRP હોલ્ડિંગ્સ ફ્રીઝ થઈ જવાના મામલે આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કાનૂની ચલણ નથી, પરંતુ તેમાં મિલકતના તમામ ગુણો હાજર છે, જેનાથી રોકાણકારોને મોટી રાહત મળી છે.
વાત આખી એમ છે કે, જાન્યુઆરી 2024માં એક રોકાણકારે વજીરએક્સ પર 1,98,516 રૂપિયા રોકીને 3,532.30 XRP કોઇન ખરીદ્યા હતા. જુલાઈ 2024માં પ્લેટફોર્મ પર મોટો સાયબર હુમલો થયો, જેમાં ઇથેરિયમ અને ERC-20 ટોકન્સની ચોરી થઈ અને આશરે 230 મિલિયન ડોલરનું નુકસાન થયું. આ પછી તમામ વપરાશકારોના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા, જેના કારણે રોકાણકાર પોતાના XRP કોઇન સુધી પહોંચી શક્યા નહીં. તેમણે કોર્ટમાં દલીલ કરી કે તેમના કોઇન અલગ છે અને વજીરએક્સ તેમના ટ્રસ્ટ કસ્ટોડિયન તરીકે કામ કરે છે.
વજીરએક્સની ભારતીય કંપની ઝનમઈ લેબ્સે જણાવ્યું કે અસલ માલિકી સિંગાપુરની ઝેટ્ટાઈ પ્તે લિમિટેડ પાસે છે, જેણે હુમલા પછી પુનર્ગઠન પ્રક્રિયા શરૂ કરી છે. તેમના મતે સિંગાપુર હાઈકોર્ટની યોજના હેઠળ નુકસાન પ્રો-રાટા આધારે વહેંચવું પડશે. પરંતુ જસ્ટિસ આનંદ વેંકટેશે 54 પાનાના ચુકાદામાં કહ્યું કે રોકાણકારનો વ્યવહાર ભારતમાંથી થયો હતો, તેથી મદ્રાસ હાઈકોર્ટને અધિકારક્ષેત્ર મળે છે. કોર્ટે XRP કોઇનને ચોરી થયેલા ટોકન્સથી અલગ માનીને કંપનીને તેનું પુનર્વિતરણ કરતાં રોક્યું છે.
કોર્ટે સમજાવ્યું કે બ્લોકચેઇન પરના ડિજિટલ ટોકન્સને ઓળખી શકાય છે, તેને ટ્રાન્સફર કરી શકાય છે અને ખાનગી કી વડે નિયંત્રિત કરી શકાય છે – આ તમામ મિલકતના લક્ષણો છે. ભારતીય કેસો જેમ કે અહમદ જીએચ આરીફ અને જીલુભાઈ નાનભાઈ ખાચરનો હવાલો આપીને મિલકતને મૂલ્યવાન અધિકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી. વિદેશી કેસો જેમ કે રસ્કો વિ. ક્રિપ્ટોપિયા અને AA વિ. પર્સન અનનોનમાં પણ ક્રિપ્ટોને મિલકત માનવામાં આવી છે. આખરે કોર્ટે ઝનમઈ લેબ્સને આદેશ આપ્યો કે મધ્યસ્થીનો નિર્ણય આવે ત્યાં સુધી XRP કોઇનનું વિતરણ ન કરે, જેથી રોકાણકારના હિતો સુરક્ષિત રહે.
આપણ વાંચો: તહેવારો છે ‘લાઈફ સેવર’! તણાવમાંથી બહાર આવવા માટે ઉત્સવો છે રામબાણ ઇલાજ: સર્વેમાં ખુલાસો



