જાણો વિક્રમ સંવત 2082નું પહેલુ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, જાણો શું ન કરવું જોઈએ

હિન્દુ સંવત પ્રમાણે વર્ષનું પહેલું અને વર્ષ 2025 પ્રમાણે બીજુ ચંદ્રગ્રહણ આગામી સપ્ટેમ્બરમાં લાગવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટના ભાદરવા માસની પૂર્ણિમાએ, એટલે કે 7 સપ્ટેમ્બરે, પિતૃપક્ષની શરૂઆત સાથે થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણને ખૂબ મહત્વની ઘટના ગણવામાં આવે છે, અને આ ગ્રહણ ભારતમાં દૃશ્યમાન હશે.
2025નું બીજુ અને અંતિમ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે ભાદરવા પૂર્ણિમાએ થશે, જે એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ રાત્રે 8:58થી શરૂ થઈને મધ્યરાત્રિ 1:25 સુધી ચાલશે, જેની કુલ અવધિ 5 કલાક અને 27 મિનિટની હશે. ઉલ્લેખનીય છે કે પૂર્ણ ચંદ્ર ગ્રહણ કે જેમાં ચંદ્રમા સંપૂર્ણ ઢંકાઈ જશે, તે રાત્રે 11:01થી 12:23 સુધી (1 કલાક 22 મિનિટ) રહેશે. જ્યારે ચંદ્ર ગ્રહણના પડઘા બેસવા એટલે સૂતક કાળ બપોરે 12:57થી શરૂ થશે અને ગ્રહણની સમાપ્તિ સુધી ચાલશે.
આ પણ વાંચો: નવા વર્ષમાં ક્યારે થશે ચંદ્ર અને સૂર્યગ્રહણ?, શું તે ભારતમાં દેખાશે?
ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે?
આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશિયાના તમામ દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, પશ્ચિમ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વીય ભાગોમાં દૃશ્યમાન હશે. યુરોપના દેશો જેમ કે ઇંગ્લેન્ડ, ઇટાલી, જર્મની અને ફ્રાન્સમાં પણ આ ગ્રહણ જોવા મળશે. ભારતમાં સૂતક કાળ બપોરે 12:57થી શરૂ થશે, જે ગ્રહણના અંત સુધી રહેશે. આ સમય દરમિયાન ધાર્મિક અને શુભ કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે.
ગ્રહણ દરમિયાન શું કરવું, શું નહીં?
સૂતક કાળ શરૂ થતા જ ધાર્મિક કાર્યો જેમ કે સ્નાન, દાન, મંદિરમાં પૂજા કે અન્ય શુભ કાર્યો ટાળવા જોઈએ. આ સમયે મનમા મંત્ર જાપ કરી શકાય છે, પરંતુ ભગવાનની મૂર્તિઓનો સ્પર્શ ન કરવો. ખાવા-પીવાનું પણ ટાળવું જોઈએ, જોકે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સૂતક શરૂ થાય તે પહેલા તુલસીના પાન નાખેલા ફળો ખાઈ શકે છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરવું જોઈએ અને બીજા દિવસે બ્રાહ્મણને વિધિવત દાન આપવું શુભ માનવામાં આવે છે.
ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી
ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમણે “પુત્રજન્મનિ યજ્ઞે ચ તથા સંક્રમણે રવેઃ। રાહોશ્ચ દર્શને કાર્યં પ્રશસ્તં નાન્યથા નિશિ” મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરવું અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. આ ઉપાયો ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળક માટે રક્ષણ આપે છે. ગ્રહણ દરમિયાન આ નિયમોનું પાલન કરવાથી નકારાત્મક અસરોથી બચી શકાય છે.