રાજસ્થાનમાં ગાયોમાં ફરી જોવા મળ્યા લંપી વાઇરસના લક્ષણો…

ઝાલાવાડ: રાજસ્થાનમાં ફરી એકવાર લંપી વાઇરસે દેખા દીધી છે. અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં લંપી વાઇરસે ઘણો કહેર વરસાવ્યો હતો તે સમયે પશુપાલકો પોતાના પાલતૂ પ્રાણીઓ માટે દવા અને દુઆ બંને કરી રહ્યા હતા. તે સમયે ઘણા ખેડૂતોના ઢોર-ઢાંખર મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘણા સમય બાદ લંપી વાઇરસથી છુટકારો મળ્યો હતો.
ત્યારે હાલમાં જ મધ્યપ્રદેશને અડીને આવેલા રાજસ્થાનના ઝાલાવાડ શહેરની શ્રી કૃષ્ણ ગૌશાળામાં એક ડઝનથી વધુ ગાયોમાં ગઠ્ઠા રોગના લક્ષણો જોવા મળ્યા છે. તે જોયા બાદ ગૌશાળા સમિતિના સભ્યો સતર્ક થઈ ગયા હતા અને તેમણે સંક્રમિત ગાયોને તંદુરસ્ત ગાયોથી અલગ કરી દીધી હતી. જો કે આ તમામ ગાયોની હાલમાં તેની દેશી પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે.
ગૌશાળા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે ગૌશાળાની તમામ ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું છે પરંતુ થોડા દિવસો પહેલા બહારથી કેટલીક ગાયો ને ગૌશાળામાં લાવવામાં આવી હતી. તે ગાયોમાંથી કેટલીક ગાયોને લંપી વાઇરસનો રોગનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. હાલમાં ગૌશાળા પોતાની રીતે ગાયોને સારવાર કરી રહી છે. ગાયોમાં ચેપને જોતા ગૌશાળામાં બહારની ગાયો લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફરી લંપી વાઇરસના લક્ષણો ગાયોમાં દેખાતો પશુપાલકોમાં ઉચાટ વ્યાપી ગયો છે.
હાલમાં જિલ્લામાં પશુ ચિકિત્સકોની હડતાળ ચાલી રહી છે અને તેને કારણે ગૌશાળા સમિતિને ચેપગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હાલમાં ચેપગ્રસ્ત ગાયોની સારવાર દેશી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ ચેપગ્રસ્ત ગાયોની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે લંપી વાઇરસે રાજસ્થાનમાં તેમજ ગુજરાતના પશુપાલકોમાં હાહાકાર મચાવી દીધો હતો. રાજસ્થાનમાં હજારો ગાયો લંપી વાઇરસના કારણે અકાળે મોતનો ભોગ બની હતી. ઘણા મોટા ગૌશાળામાં હજારો ગાયોએ આ વાઇરસને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હવે ફરી એકવાર લંપી વાઇરસના સંક્રમણથી પશુપાલકો ચિંતામાં મુકાયા છે.