નેશનલ

Bharat Bandh: મોટા ભાગના રાજ્યોમાં બંધને મળ્યો ઠંડો પ્રતિસાદ

પંજાબ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્રમાં ઓછી અસર, બિહાર-રાજસ્થાનમાં થયા પ્રદર્શનો
નવી દિલ્હીઃ
સુપ્રીમ કોર્ટે આપેલા એસટી અને એસસી અનામતમાં પેટા અનામતના એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનોએ આજના ભારત બંધની જાહેરાત કરી હતી. ભારત બંધને મિશ્ર પ્રતિભાવ મળ્યો હતો. અમુક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી હતી, જ્યારે કેટલાક રાજ્યમાં જનજીવન પર કોઈ અસર જોવા મળી નહોતી.

પાટનગર દિલ્હીથી લઇને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં ભારત બંધની અસર ઓછી જોવા મળી હતી તો બિહાર અને રાજસ્થાનમાં મોટાપાયે બબાલ થઇ હતી. બિહારમાં કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ જોવા મળી હતી.

દિલ્હીમાં નહીંવત અસર જોવા મળી

દિલ્હીમાં પણ ભારત બંધની અસર જોવા મળી નહોતી. માર્કેટ એસોસિએશને આ બંધને લઈને પહેલેથી જ નિર્ણય લીધો હતો કે દિલ્હીમાં બજારો ખુલ્લા રહેશે. કાશ્મીરી ગેટ, ચાંદની ચોક, ખારી બાવલી, નયા બજાર, ચાવડી બજાર, સદર બજાર, કરોલ બાગ, કમલા નગર, કનોટ પ્લેસ, લાજપત નગર અને સરોજિની નગર સહિત 700થી વધુ બજારો અહીં ખુલ્લા રહ્યા હતા.

આ પણ વાંચો: ભારત બંધઃ વિરોધ પ્રદર્શન વચ્ચે SDM સાહેબની થઈ ધોલાઈ, વીડિયો વાઈરલ

પંજાબમાં જાહેર પરિવહન, સ્કૂલ-કોલેજ ચાલુ રહી

પંજાબ અને હરિયાણામાં ભારત બંધની અપીલ કરવામાં આવી છે, પરંતુ અહી પણ તેની અસર જોવા મળી નહોતી. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી. જાહેર પરિવહન સેવાઓ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી અને રસ્તાઓ પણ ટ્રાફિક જોવા મળ્યો હતો. મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ પણ ખુલ્લી રહી હતી.

રાજસ્થાનના પાંચ જિલ્લામાં રજા જાહેર કરાઈ, યુપીમાં વિરોધ પ્રદર્શન

રાજસ્થાનમાં ઘણા એસસી અને એસટી જૂથોએ બંધને સમર્થન આપ્યું હતું. ભારત બંધની અપીલ બાદ રાજસ્થાનના જયપુર, દૌસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીગ સહિત પાંચ જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શનો થયા હતા.

વિવિધ સંગઠનો દ્વારા પોતપોતાના મુદ્દાઓને લઈને માર્ગો પર સરઘસો કાઢવામાં આવ્યા હોવા છતાં જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. બજારો અને શાળા-કોલેજો પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્ક રહી હતી.

બિહારમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ, ટ્રેનસેવાને અસર

બિહારમાં ભારત બંધ દરમિયાન વિવિધ સ્થળોએ રસ્તાઓ અને રેલવે ટ્રેકને બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેના કારણે કેટલાક પ્રદર્શનકારીઓને ઈજા પહોંચી હતી. ટ્રાફિક જામ અને ટ્રેન સેવાઓમાં વિક્ષેપના કારણે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર

ઓડિશા-ઝારખંડમાં મિશ્ર અસર

ઓડિશામાં ભારત બંધના કારણે રોડ અને રેલ સેવાઓને આંશિક અસર થઈ હતી. વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે, સામાન્ય જનજીવન સામાન્ય રહ્યું હતું અને બંધની જાહેરાતની દુકાનો અને ધંધા-રોજગારો પર કોઈ ખાસ અસર થઈ ન હતી.

ઝારખંડમાં ભારત બંધની મિશ્ર અસર જોવા મળી હતી. કેટલાક જિલ્લાઓમાં બંધને વ્યાપક સમર્થન મળ્યું હતું, જેના કારણે સ્થાનિક બજારો અને પરિવહન સેવાઓને અસર થઈ હતી. અન્ય જિલ્લાઓમાં બંધની અપીલ લગભગ નિષ્ફળ રહી હતી અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું ન હતું. પોલીસે સ્થિતિ પર નજર રાખી અને નાની મોટી ઘટનાઓને કાબૂમાં લીધી હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ

અનામત અંગેના તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ ભારત બંધનું આહવાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે રાજ્યોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ‘ક્રીમી લેયર’ની ઓળખ કરવી જોઈએ અને તેમને અનામતના લાભથી દૂર રાખવા જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button