આ IAS અધિકારી લખનઉ માટે બન્યા ‘કલયુગના હનુમાન’, કચરાના ઢગલાઓ પર ઉગાડ્યા સ્વચ્છતા અને વિકાસના ફૂલ…

લખનઉના ઘૈલા અને શિવરી વિસ્તારોમાં 72 એકરમાં ફેલાયેલા કચરાનો ડમ્પિંગ યાર્ડ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળમાં બદલાયો છે. જ્યા લાખો વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આ કચરાના ઢગલાઓને હટાવીને શહેરને સ્વચ્છ અને ટકાઉ બનાવવાનું શ્રેય IAS અધિકારી ઈન્દરજીત સિંહને જાય છે.
તેમની આગેવાનીમાં શિવરીમાં આધુનિક વેસ્ટ-પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેના કારણે લખનઉએ 2024-25ના સ્વચ્છ સર્વેક્ષણમાં ત્રીજું સ્થાન મેળવ્યું. આ પરિવર્તનથી શહેરની છબી બદલાઈ અને રિયલ એસ્ટેટમાં પણ ઉછાળો આવ્યો છે.
ત્રણ વર્ષ પહેલા, જ્યારે ઈન્દરજીત સિંહે લખનઉના ઘૈલા ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લીધી, ત્યાં 25 મીટર ઊંચા કચરાના ઢગલા અને લીચેટ પાણીનો ફેલાવો હતો. આ દૃશ્ય જોઈને તેઓ હતાશ થયા, પરંતુ નક્કી કર્યું કે પીછેહઠ કરવી નથી. તેણે તેમની ટીમ સાથે 18.5 લાખ મેટ્રિક ટન કચરો હટાવ્યો.
જેમાં ઘૈલામાંથી 8 લાખ અને શિવરીમાંથી 10.5 લાખ ટનનો સમાવેશ થાય છે. આ પ્રયાસે લખનઉને ‘ઝીરો નેટ વેસ્ટ’ શહેરનું બિરુદ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે માઈલસ્ટોન મેળવવા માટે ઈન્દરજીતે દરરોજ 15-16 કલાક કામ કર્યું, જેમાં સવારની ઝૂમ મીટિંગથી લઈને રાત્રિના રિપોર્ટ્સ સુધીનો સમાવેશ થાય છે.
ઘૈલા અને શિવરીના કચરાના ઢગલાઓએ સ્થાનિકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂક્યું હતું, જેના કારણે રોજિંદી ફરિયાદો અને વિરોધ થતા હતા. આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બે વખત પિટિશન દાખલ કરવામાં આવી હતી. અધિકારીઓ માટે આ વિસ્તારોમાં જવું જોખમી બન્યું હતું, કારણ કે લોકો તેમને ઘેરી લેતા હતા.
ઈન્દરજીત અને તેમની ટીમે સલાહકારો, ઠેકેદારો અને વહીવટી અધિકારીઓ સાથે મળીને કચરો હટાવવાની યોજના બનાવી. તેમણે રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને શિવરીમાં અદ્યતન વેસ્ટ-પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યો, જેનાથી કચરો ખાતર, ઈંધણ અને ઊર્જામાં રૂપાંતરિત થયો.
આ પ્રયાસોનું પરિણામ લખનઉના ઉદ્યાનોમાં જોવા મળે છે. ગોમતી નગર અને ચૌકના ઉદ્યાનો, જે અગાઉ કચરાથી ભરેલા હતા, હવે આકર્ષક બન્યા છે. યૂપી દર્શન પાર્કમાં 268.5 ટન રિસાયકલ કરેલા સ્ક્રેપમાંથી બારા ઈમામબાડા, રામ મંદિર અને તાજમહેલ જેવા 16 સ્મારકોની પ્રતિકૃતિઓ બનાવાઈ.
ગૌતમ બુદ્ધ પાર્કને ‘હેપ્પીનેસ પાર્ક’માં બદલીને સ્ક્રેપથી બનેલી કલાકૃતિઓ અને સેલ્ફી ઝોન ઉમેરાયા. હાર્મોની પાર્કમાં 70 ટન કચરામાંથી 32 શિલ્પો બનાવાયા. આ ઉપરાંત, 1,200 ઇલેક્ટ્રિક વાહનો, ફરિયાદ નિવારણ સિસ્ટમ અને ‘ક્લીન સ્ટ્રીટ, ગ્રીન સ્ટ્રીટ’ જેવી ઝુંબેશોએ શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરી.
લખનઉની નવી ઓળખ
આ સફળતાએ લખનઉને ટકાઉ શહેર તરીકે નવી ઓળખ આપી. ઘૈલામાં રિયલ એસ્ટેટના ભાવ 39% વધીને ચોરસ ફૂટ દીઠ 4,900 રૂપિયા થયા. શાલીમાર ગાર્ડન બેમાં ફ્લેટ અને વિલાના ભાવ 59 લાખથી 1.93 કરોડ સુધી પહોંચ્યા.
ઈન્દરજીત સિંહને સ્થાનિક લોકો ‘કલયુગના હનુમાન’ કહે છે, કારણ કે તેમણે કચરાના પહાડો હટાવી શહેરને નવું જીવન આપ્યું છે. સ્થાનિક મીડિયા અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના કાર્યને પ્રેરણાદાયી ગણાવ્યું. આ પરિવર્તન લખનઉના ટકાઉ અને સ્વચ્છ ભવિષ્યનો પાયો બન્યું છે.
આ પણ વાંચો…‘રાજ’ બનીને આવ્યો, ‘ફુરકાન’ તરીકે ધમકાવવા લાગ્યો; લખનઉમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો કિસ્સો