લખનઉમાં એક વિદ્યાર્થિની બની સામૂહિક દુષ્કર્મનો શિકાર, બે જણની ધરપકડ

લખનઉઃ લખનઉના મડિયાંવ વિસ્તારમાં એક યુવતી પર સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ યુવતીને 15 ઓક્ટોબરની રાત્રે કારમાં લિફ્ટ આપવાના બહાને અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ વિદ્યાર્થીનીને ચામાં નશીલા પદાર્થ આપીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ આ યુવતીને આરોપીઓએ ચાર દિવસ સુધી બંધક બનાવીને રાખી હતી. પીડિતાએ 22મી ઓક્ટોબરે મડિયાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
કેવી રીતે થયું વિદ્યાર્થિનીનું અપહરણ?
ઘટનાની વાત કરવામાં આવે તો, 18 વર્ષીય આ યુવતી ઇન્ટરમીડિયેટની વિદ્યાર્થીની છે. 15મી ઓક્ટોબરે તે તેના પરિવારથી નારાજ થઈને સ્કૂલ જવા નીકળી ગઈ હતી. સ્કૂલના ગેટ પર પહોંચ્યા પછી, તે તેના મિત્ર સાથે બીબીડી તરફ ફરવા ગઈ હતી. બપોરે ઘરે આવ્યા પછી, તે ફરીથી ગોમતી નગર તરફ એકલી નીકળી ગઈ હતી. આ દરમિયાન રાત્રે તે ઓટો દ્વારા ઘરે જવા નીકળી હતી. વિદ્યાર્થિનીનો આરોપ છે કે, ખુર્રમ નગર પાસે ઓટો ચાલક રસ્તો ભૂલી ગયો હતો. આ કારણે તે ઓટોમાંથી નીચે ઉતરી ગઈ. આ દરમિયાન એક કારચાલકે તેને લિફ્ટ આપી હતી.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં મહિલાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારનાર બે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા
ચામાં કોઈ નશીલો પદાર્થ નાખીને બેહોશ કરી દીધી
આરોપીઓએ વિદ્યાર્થિનીને ઘર સુધી મુકી જવાનું કહીને વિશ્વાસમાં લીધી અને કારમાં બેસાડી હતી. ત્યારે બાદ ચામાં કોઈ નશીલો પદાર્થ નાખીને બેહોશ કરી દીધી હતી. બાદમાં આરોપીઓ તેને એક ફ્લેટમાં લઈ ગયા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપીએ એકબાજી સાથે વાત કરતી વખતે અંશુમાન, જુનૈદ અને શિવાંશ નામ લઈ રહ્યાં હતાં. સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ અંશુમાન અને શિવાંશ ચાલ્યાં ગયા હતા, પરંતુ જુનૈદે આ પીડિતા સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
જુનૈદે 19 તારીખે ફરી મેસજ કરીને ધમકી આપી
દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ વિદ્યાર્થિનીને આ ઘટના અંગે કોઈને જાણ ના કરવાની ધમકી પણ આપી હતી. 18 ઓક્ટોબરના રોજ બપોરે જુનૈદ વિદ્યાર્થિનીને કુર્સી રોડ પર છોડીને ભાગી ગયો હતો. ત્યાંથી, વિદ્યાર્થિની એક મિત્રના ઘરે ગઈ, જ્યાં તેનો પરિવાર તેને લઈ ગયો હતો. 19 તારીખે જુનૈદે ફરી આ વિદ્યાર્થિનીના ફોન પર મેસજ કરીને ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની અને તેના પરિવારે પોલીસ ફરિયાજ નોંધાવી હતી. પોલીસે અત્યારે અંશુમાન અને જુનૈદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.



