ગેમના ચક્કરમાં બિહારી ગેંગની જાળમાં ફસાયો, 14 લાખ ગુમાવ્યા તો વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

લખનઉઃ ઓનલાઈન ગેમ રમવાના કારણે બાળકોનું મગજ અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં ધોરણ 6માં ભણતા એક વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જી હા, માત્ર 13 વર્ષના યશ કુમાર ઓનલાઈન ગેમ લાખો રૂપિયા ગુમાવી બેઠો હતો. જેના કારણે તેણે ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. ઓનલાઈન ગેમ અત્યારે બાળકો પર ખૂબ જ હાવી થઈ રહી છે. તેનું આ ખૂબ જ મોટું ઉદાહરણ છે. ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો…
ઓનલાઈન ગેમ 13 વર્ષના યશને ગેંગ સુધી લઈ ગઈ!
ઘટનાની વાત કરવામાં આવે તો, લખનઉમાં આવેલા મોહનલાલગંજ વિસ્તારમાં યશ કુમાર નામનો છોકરો ઓનલાઈન ગેમના રવાડે ચડ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગેમમાં તેણે પિતાના બેંક ખાતામાંથી 14 લાખ રૂપિયા ઉડાવી દીધી હતા. જ્યારે પિતા સુરેશ કુમાર યાદવ બેંકમાં પહોંચ્યાં ત્યારે ખબર પડી તેમના ખાતામાંથી 14 લાખ રૂપિયા ગાયબ છે. ઘરે આવીને પરિવારને આ અંગે જાણ કરી હતી. યશ સાંભળી ગયો કે પિતાને 14 લાખ રૂપિયા અંગે જાણ થઈ ગઈ છે તો તેણે ઘરમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો: ઓનલાઈન ગેમમાં 3000 હારતાં 12 વર્ષના છોકરાએ કરી લીધો આપઘાત, ઈન્દોરની ચોંકાવનારી ઘટના
બિહારની કોઈ ગેંગની જાળમાં ફસાઈ ગયો હતો યશ
યશે ઉપરના માળે જઈને રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બહેને જ્યારે ભાઈને લટકેલો જોયો ત્યારે તેણે રાડો પાડી એટલે પરિવાર દોડી આવ્યો હતો. પરિવારે યશને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ ત્યા સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં એવો ખૂલાસો થયો કે, યશ માત્ર ગેમ નહોતો રમતો પરંતુ આ દરમિયાન તે બિહારની એક ગેંગની જાળમાં ફસાઈ ગયો હતો. બિહારની આ ગેંગના બે સભ્યોએ યશને ગુમરાહ કર્યો અને લાખો રૂપિયા પડાવી લીધા હતા.
આ પણ વાંચો: કેન્દ્રના પ્રતિબંધ બાદ રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનો પ્રથમ ગુનો નોંધાયો; ત્રણ આરોપીઓની ધરપકડ
યશે 400થી પણ વધારે વખત રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, યશે તેના પિતાના ખાતામાંથી બહારની 6 બેંકના ખાતામાં 400થી પણ વધારે વખત રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં. આત્મહત્યા કરી તેના એક દિવસ પહેલા પણ યશે 51 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં. પોલીસને શંકા છે કે, યશના મોબાઈલને બિહારની આ ગેંગ કંટ્રોલ કરી રહી હતી. જેથી ફોનને ફોરેન્સિક લેંબ મોકલવામાં આવ્યો છે. યશના પિતાએ પણ એક વાતનો ખુલાસો કર્યો છે કે, એક વખત યશ પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો ત્યારે તેણે પોતાની માતાનું ગળુ પણ દબાવી દીધું હતું. આ સમગ્ર મામલે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, યશ બિહારની કઈ ગેંગની જાળમાં ફસાયો હતો? અત્યારે મોબાઈલના ડેટાની તપાસ ચાલી રહી છે.