નાથદ્વારામાં શ્રીજીબાવાએ વરસાવી ભાજપ પર કૃપાઃ પહેલી વાર ઊભેલા ઉમેદવાર જીતી ગયા
ચૂંટણીના પરિણામો રાજકીય પક્ષો માટે જેટલા આંચકો આપનારા હોય એટલા રસપ્રદ પણ હોય છે. ક્યારેક કોઈ સાવ નજીવી સરસાઈથી જીતે તો ક્યારેક જેમની જીત નક્કી હોય તે હારે ને નવો જ ચહેરો જીતી જાય આવું જ નાથદ્વારામાં બન્યું છે જ્યાં વૈષ્ણવોનું શ્રદ્ધાસ્થાન શ્રીનાથજીનું મંદિર આવેલું છે. રાજસ્થાનની આ બેઠક તેના બે ઉમેદવારોને લીધે રસપ્રદ બની ગઈ હતી. અહીં પાંચ વાર જીતેલા કૉંગ્રેસના નેતા સીપી જોશી હાર્યા છે જ્યારે પહેલીવાર ચૂંટણીમાંમ ઊભેલા મહારાણા પ્રતાપના વંશજ અને ભાજપના ઉમેદવાર વિશ્વરાજસિંહ મેવાડ જીતી ગયા છે.
બધાની નજર રાજસ્થાનના રાજસમંદ જિલ્લાની નાથદ્વારા સીટ પર હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીપી જોશી અહીંથી ચૂંટણી મેદાનમાં હતા. તેમની સામે ભાજપે મહારાણા પ્રતાપના વંશજ વિશ્વરાજ સિંહ મેવાડને મેદાનમાં ઉતાર્યા હતા. આ કારણે નાથદ્વારા વિધાનસભાની ચૂંટણીમાં સૌથી હોટ સીટ બની ગઈ હતી. હાલમાં વિશ્વરાજ સિંહ આ ચૂંટણી જીત્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી 5 વખત નાથદ્વારાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાજસ્થાનના ચૂંટણી ઈતિહાસમાં સૌથી રોમાંચક સ્પર્ધા અહીં વર્ષ 2008માં જોવા મળી હતી. ત્યારે સીપી જોશીને માત્ર 1 વોટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 2008ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કલ્યાણ સિંહે જોશીને એક વોટથી હરાવ્યા હતા.
જ્યારે કલ્યાણ સિંહને 62,216 વોટ મળ્યા, જ્યારે સીપી જોશીને 62,215 વોટ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સીપી જોશી લાંબા સમયથી નાથદ્વારા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ હવે આ બેઠક ભાજપના નામે થઈ છે ત્યારે શ્રીજીબાવાએ આ વખતે વિશ્વરાજસિંહ મેવાડ પર કૃપા કરી છે.