લોકસભા સંગ્રામઃ પહેલી યાદી પછી આસામ માટે ભાજપે ફરી શા માટે જાહેર કરી બીજી યાદી?
ગુવાહાટીઃ લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે પાર્ટીના 195 ઉમેદવારની યાદી જારી કરી હતી. 195 ઉમેદવારની યાદીમાંથી આસામ માટે અગિયાર ઉમેદવારનું નામ જારી કર્યું હતું, પરંતુ પાર્ટીએ આજે ફરી નવી યાદી જાહેર કરવાની નોબત આવી હતી. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આસામ રાજ્યના ઉમેદવારની યાદીમાં સંસદીય મતવિસ્તારની સંખ્યા અને નામ સુધારવામાં આવ્યા છે, જેમાં છ ઉમેદવાર સાંસદ છે, જ્યારે પાંચ નવા ચહેરા છે.
ભાજપે આસામના દરરંગ ઉદલગુરીથી દિલીપ સૈકિયા, ગુવાહાટીથી બિજુલી કલિતા મેઘી, દીપુથી અમર સિંહ ટીસો, કરિમગંજથી કૃપાનાથ મલ્લાહ અને સિલચરથી પરિમલ શુક્લાવૈદને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય પાર્ટીએ નૌગાંવથી સુરેશ બોરા, કાઝીરંગાથી કામાખ્યા પ્રસાદ તાસા, લખીમપુરથી પ્રદાન બરુઆ, દિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ અને જોરહાટ ટોપન કુમાર ગોગોઈને ટિકિટ આપી છે. આસામમાં પાંચ નવા ચહેરાને તક આપી છે, જ્યારે છ વર્તમાન સાંસદ છે.
સિલચર લોકસભા બેઠક પર સાંસદ રાજદીપ રોયની જગ્યાએ પરિમલને ટિકિટ આપી છે. બીજી બાજુ સાંસદ હોરેન સિંહ બેની એસટી પરની બેઠક પણ અમર સિંહને આપવામાં આવી છે.
ગુવાહાટી લોકસભા સીટ પરથી સાસંદ રાણી ઓઝાની જગ્યાએ બિજુલી કલિતા મેઘી ચૂંટણી લડશે, જ્યારે તેજપુરથી રંજિત દત્તા ચૂંટણી લડશે. બીજી બાજુ પલ્લવ લોચન દાસ સાંસદ છે. કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલને દિબ્રુગઢથી સાંસદ રામેશ્વર તેલીની જગ્યાએ લડવા માટે ઉમેદવાર રાખ્યા છે.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આસામમાં સીટ વહેંચણીને લઈ ભાજપ અને સાથી પક્ષ વચ્ચે યુતિ કરવામાં આવી છે. આ સમજૂતી અન્વયે ભાજપ આસામની અગિયાર બેઠક પર ચૂંટણી લડશે, જ્યારે સહયોગી આસામ ગણ પરિષદ (એજીપી) બે બેઠક પર ચૂંટણી લડશે અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) એક બેઠક પર ચૂંટણી લડશે.