લોકસભા ચૂંટણી: ડીએમકેની સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી ફાઈનલ
ચેન્નઈ: તામિલનાડુના સત્તાધારી પક્ષ ડીએમકે (દ્રાવિડ મુન્નેત્ર કળગમ)એ સાથી પક્ષો વીસીકે અને એમડીએમકે સાથેની લોકસભા માટેની બેઠકોની વહેંચણીની 2019ની ફોર્મ્યુલા અકબંધ રાખી હતી.
વિધુથલાઈ ચિરુથઈગલ કટ્ચી (વીસીકે)ને બે બેઠકો ફાળવવામાં આવી હતી (બંને અનામત મતદારસંઘો) અને વાઈકોના નેતૃત્વ હેઠળની એમડીએમકે (મારુમલારચી દ્રાવિડ મુન્નેત્ર કળગમ)ને ફક્ત એક જ બેઠક ફાળવવામાં આવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે 2019માં એમડીએમકેને એક રાજ્યસભાની બેઠક પણ ફાળવવામાં આવી હતી.
વીસીકે અને એમડીએમકેના સ્થાપક થોલ થિરુમાવલવન અને વાઈકોએ બેઠકોની વહેંચણીની સમજૂતી પર ડીએમકેના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન સાથે સત્તાધારી પાર્ટીના મુખ્યાલય અના અરિવલયમ ખાતે સહી કરી હતી.
થિરુમાવલવને કહ્યું હતું કે તેમની પાર્ટી ચિદમ્બરમ અને વિલ્લુપુરમથી લડશે. બંને બેઠકો પરથી અત્યારે તેમના નેતા લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. થિરુમાવલવન પોતે ચિદમ્બરમ બેઠક પરથી પાંચ વર્ષ પહેલાં લોકસભામાં ચૂંટાઈને ગયા હતા.
પાર્ટીએ ઓછામાં ઓછી ત્રણ બેઠકોની માગણી કરી હતી, જેમાં એક જનરલ શ્રેણીની બેઠકનો સમાવેશ થતો હતો. તામિલનાડુની રાજકીય સ્થિતિને જોતાં તેમણે બે બેઠકો પર સમજૂતી સાધી હતી. ડીએમકે હેઠળનું ગઠબંધન આ વખતે પણ વિજયી થાય તેને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, એમ પણ વીસીકેના સ્થાપકે કહ્યું હતું.
પાર્ટી પોતાના ચૂંટણી ચિહ્ન ‘માટીના ઘડો’પર ચૂંટણી લડશે. તેમણે ચૂંટણીપંચને અપીલ કરી હતી કે તેમને એક સમાન ચિહ્ન આપવામાં આવે કેમ કે તેમની પાર્ટી કર્ણાટક, કેરળ અને તેલંગણામાં 15 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવા માગે છે.
બીજી તરફ એમડીએમકેના સ્થાપક વાઈકોએ કહ્યું હતું કે બેઠકોની વહેંચણી અંતિમ થઈ ગઈ છે, પરંતુ તેઓ કઈ બેઠક પર ઉમેદવાર ઉતારશે તેની જાહેરાત મોડેથી કરવામાં આવશે.
બેઠકોની વહેંચણીની સમજૂતીને અંતિમ સ્વરૂપ આપીને તેના પર સહી ખુદ સ્ટાલિન દ્વારા કરવામાં આવી હતી અને અમે વ્યવસ્થાથી સંતોષી છીએ એમ વાઈકોએ કહ્યું હતું. (પીટીઆઈ)