નેશનલ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દેશના આ બે મોટા શહેરમાં ફરી લાદવામાં આવ્યું લોકડાઉન

જયપુરઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન ભારત પર હુમલાની શક્ય તમામ કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના ઈરાદા સફળ થવા દીધા નથી. આ દરમિયાન રાજસ્થાનના બોર્ડર જિલ્લા બાડમેર અને જેસલમેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજસ્થાનના બાડમેરના આકાશમાં ડ્રોન જેવી વસ્તુ જોવા મળી હતી. ઉપરાંત સાયરન સાથે તીવ્ર ધડાકા પણ સંભળાયા હતા. આ ઉપરાંત જેસલમેર શહેરમાં સતત સાયરનના અવાજ સંભળાઈ રહ્યા છે, 2-3 ડ્રોન પણ જોવા મળ્યા હતા. પાકિસ્તાન તરફથી હુમલાની આશંકાએ બાડમેરના ડીએમએ તમામ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે  શુક્રવારે રાત્રે  પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.પાકિસ્તાને મોડી રાત્રે ફતહ મિસાઇલનો ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જેને સિરસા નજીક ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવી હતી.  

પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને સમગ્ર પશ્ચિમી સરહદ પર લડાકુ વિમાનો, લાંબા અંતરના દારૂગોળા અને ડ્રોનથી હુમલો કર્યો હતો. પાકિસ્તાને 26 થી વધુ સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. જેમાંથી મોટાભાગના પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાને પંજાબના વાયુસેના મથકને નિશાન બનાવવા માટે સવારે 1:40 વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાન દ્વારા નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને લશ્કરી પોસ્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા બાદ ભારતે પાકિસ્તાનના હથિયાર ભંડાર અને એરબેઝને નિશાન બનાવીને તબાહ કર્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button