હવે ઘરનું સપનું થશે વધુ મોંઘુ, સરકારી બેંકોએ વધાર્યા હોમ લોનના વ્યાજદર

દેશમાં મોંઘવારી સાથે સામાન્ય લોકોની જરૂરિયાત પણ વધી રહી છે. આજના સમયમાં રોટી કપડા મકાન સાથે એસી મોટર જેવી કિંમતી વસ્તુ પણ જરૂરિયાતનો હિસ્સો બની ગયું છે. જ્યારે સામાન્ય નાગરિક આવી જરૂરિયાત સંતોષવા માટે લોનનો સહારો લેવો પડે છે. જોકે સરકારે સતત ત્રણ વખત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. જે બાદ લોકોમાં એવી આશા જાગી હતી કે, બેન્ક વ્યાજ દરોમાં ઘટાડો કરશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં, હોમ લોનના દરમાં રાહતની અપેક્ષા રાખનારા લોકોને નિરાશા હાથ લાગી છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ કુલ 100 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કર્યો, જેનાથી હોમ લોન અને અન્ય લોન સસ્તા થવાની આશા હતી. પરંતુ દેશની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય બેન્કોએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે, જેનાથી પોતાના ઘરનું સપનું જોનારાઓને મોટો ઝટકો લાગ્યો છે.
બેન્કોએ વધાર્યા હોમ લોનના દર
દેશની બે મોટી સરકારી બેન્કો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (UBI)એ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે. એસબીઆઈએ નવા ગ્રાહકો માટે હોમ લોનના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. અગાઉ એસબીઆઈના હોમ લોનના દર 7.50%થી 8.45%ની વચ્ચે હતા, જે હવે 7.50%થી 8.70%ની રેન્જમાં છે. યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ પોતાના હોમ લોનના દરમાં 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરીને 7.35%થી 7.45% કર્યા છે.
એસબીઆઈના વ્યાજ દર વધારાનું કારણ
એસબીઆઈના સૂત્રો પ્રમાણે, હોમ લોનના દરમાં વધારો નવા ગ્રાહકોના સિબિલ સ્કોર અને એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ના આધારે કરવામાં આવ્યો છે. EBLR એ એવો દર છે, જેના આધારે બેન્ક લોન આપે છે. સૂત્રો પ્રમાણે હોમ લોન એ ઓછા નફાવાળું ઉત્પાદન છે, તેથી અમે નીચા ક્રેડિટ સ્કોર ધરાવતા નવા ગ્રાહકો માટે માર્જિન વધારવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર ફક્ત નવા ગ્રાહકો માટે છે અને હાલના લોનધારકો પર આ નિર્ણયની અસર નહીં થાય.
અન્ય બેન્કો પણ વધારી શકે છે દર
એસબીઆઈ અને યૂનિયન બેન્ક બાદ અન્ય સરકારી બેન્કો પણ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. જોકે, ખાનગી બેન્કોની વાત કરીએ તો હાલમાં કોઈ ખાનગી બેન્કે વ્યાજ દરમાં વધારો કર્યો નથી. HDFC બેન્ક, ICICI બેન્ક અને એક્સિસ બેન્ક હાલમાં અનુક્રમે 7.90%, 8% અને 8.35%ના પ્રારંભિક દરે હોમ લોન આપી રહી છે. એવું માનવામાં આવે છે કે સરકારી બેન્કોના આ પગલાને જોતા ખાનગી બેન્કો પણ નજીકના ભવિષ્યમાં લોનના દરમાં વધારો કરી શકે છે.
ખાનગી બેન્કોએ સરકારી બેન્કોની ઓછા વ્યાજ દરે લોન આપવાની નીતિની ટીકા કરી છે. HDFC બેન્કે જણાવ્યું કે આ વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેના હોમ લોન પોર્ટફોલિયોમાં લગભગ 7%નો વધારો થયો, પરંતુ આ વૃદ્ધિ અગાઉની ત્રિમાસિક ગાળાની સરખામણીએ ઓછો હતો. બેન્કના અધિકારીઓનું કહેવું છે કે આનું કારણ અન્ય બેન્કો દ્વારા ઓછા વ્યાજ દરે લોન આપવાની નીતિ છે. તેમનું માનવું છે કે નફાને બાજુએ રાખીને માત્ર લોનનું વિતરણ કરવું યોગ્ય નથી.
આ પણ વાંચો…એસબીઆઈએ નવા ગ્રાહકોને આંચકો આપ્યો, હોમ લોનના વ્યાજ દરમાં વધારો