JNUSU ચૂંટણીમાં ‘લાલ સલામ’નો દબદબો: લેફ્ટ યુનાઇટેડે JNUમાં એક વર્ષ માટે ABVPનો કર્યો સફાયો

નવી દિલ્હી: મોટા ભાગની યુનિવર્સિટીમાં દર વર્ષે છાત્ર સંઘની ચૂંટણી યોજાય છે. આ ચૂંટણી ઘણી રસપ્રદ હોય છે. ચૂંટણીમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી યુનિવર્સિટીના જુદા જુદા કાર્યક્રમોનું સંચાલન કરે છે તથા વિદ્યાર્થીઓની સમસ્યાઓને યુનિવર્સિટી મેનેજમેન્ટ સામે રજૂ કરીને તેનો નિકાલ લાવે છે. દર વર્ષે દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની ચૂંટણી પણ સૌની નજર હોય છે. જોકે, આ વર્ષની છાત્ર સંઘની ચૂંટણી યોજાઈ ગઈ છે અને તેનું પરિણામ પણ આવી ગયું છે. આવો જાણીએ આગામી એક વર્ષ સુધી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કોનું રાજ ચાલશે.
JNUSUની ચૂંટણીમાં 67 ટકા મતદાન
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થતા લેફ્ટ યુનાઇટેડ અને ABVPના ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. 4 નવેમ્બર 2025ના રોજ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં 67 ટકા મતદાન થયું હતું.
હવે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (JNUSU)ની 2025-26 સત્ર માટેની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં લેફ્ટ યુનાઇટેડ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરીને પ્રમુખ પદ સહિત ચારેય મુખ્ય પદો પર વિજય મેળવીને ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. લેફ્ટ યુનાઇટેડ (Left United) એ તમામ ચાર પદો પર ABVPના ઉમેદવારોને હરાવ્યા હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (JNUSU)ની 2025-26ની ચૂંટણીનું પરિણામ નીચેના કોષ્ટકમાં આપેલું છે.

ગત વર્ષના પરિણામોથી વિપરીત સ્થિતિ
ગત વર્ષ (2024-25) ની ચૂંટણીમાં, લેફ્ટ ગઠબંધને ચારમાંથી ત્રણ પદ જીત્યા હતા, જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ દસ વર્ષના લાંબા ગાળા બાદ સંયુક્ત સચિવ પદ જીતીને મજબૂત પડકાર ઉભો કર્યો હતો. ગત વર્ષની ચૂંટણીમાં નીતિશ કુમાર (AISA) પ્રમુખ, મનીષા (DSF) ઉપપ્રમુખ, અને મુન્તેહા ફાતિમા (DSF) મહાસચિવ બન્યા હતા. સંયુક્ત સચિવ પદ પર ABVPના વૈભવ મીણા વિજેતા બન્યા હતા.
જોકે, આ વર્ષે લેફ્ટ યુનાઇટેડે ABVPના એક પણ ઉમેદવારને જીતવા દીધો નથી. આમ, તમામ ચાર પદો પર વિજય મેળવીને લેફ્ટ યુનાઈટેડે JNUSU પર ફરીથી સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે.



