ઓપરેશન સિંદૂર: લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે કબૂલ્યું કે ભારતીય વાયુસેનાએ ઠેકાણાઓનો સફાયો કર્યો | મુંબઈ સમાચાર
નેશનલ

ઓપરેશન સિંદૂર: લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે કબૂલ્યું કે ભારતીય વાયુસેનાએ ઠેકાણાઓનો સફાયો કર્યો

જૈશ એ મોહમ્મદ બાદ હવે લશ્કરના કમાન્ડરે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો.

ઇસ્લામાબાદ: પહલગામના આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારતની વાયુસેનાએ પોતાના ફાઇટર જેટથી પાકિસ્તાન તથા પીઓકે (પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર)માં આવેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા હતા. જોકે, ભારતના હુમલાથી અમને કોઈ નુકસાન થયું નથી એવું પાકિસ્તાને રટણ કર્યું હતું. પરંતુ હાલ, ભારતની વાયુસેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા હુમલાના પુરાવા સામે આવ્યા છે.

‘મરકઝ તૈયબા’ નાશ પામ્યું

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કાસિમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાસિમ મરકઝ તૈયબાના ખંડેર થઈ ગયેલા મુખ્યાલય પાસે ઊભો છે. વીડિયોમાં કાસિમે જણાવ્યું કે, “હું મુરીડકેમાં મરકઝ તૈયબાના ખંડેર પર ઊભો છું, જે ભારતીય હુમલામાં નષ્ટ થઈ ગયું હતું. હવે તેનું પુનર્નિર્માણ ચાલી રહ્યું છે, અને અલ્લાહની રહમથી આ મસ્જિદ પહેલા કરતા પણ મોટી બનશે.” અહીં ઘણા આતંકવાદીઓ અને વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવતી હતી. વીડિયોમાં આ વાતનો પણ કાસિમે સ્વીકાર કર્યો છે.

પાકિસ્તાન સરકાર કરી રહી છે સહાય

કાસિમ સિવાય લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરીનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે, પાકિસ્તાન સરકાર અને સેના આ આતંકવાદી કેમ્પને ફરીથી બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. આ વીડિયોમાં કસુરીએ પાકિસ્તાની યુવાનોને “દૌરા-એ-સુફા” નામના આતંકવાદી તાલીમ કાર્યક્રમમાં જોડાવા પણ અપીલ કરી હતી. આ તાલીમમાં ધાર્મિક શિક્ષણ સાથે મૂળભૂત આતંકવાદી ટ્રેનિંગ અપાય છે.

પાકિસ્તાનના દાવા ખોટા પડ્યા

ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર હેઠળ 7 મે 2025ની રાત્રે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબા સહિત નવ આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ પાકિસ્તાને પોતાને કોઈ નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો હતો. ત્યારે લશ્કર-એ-તૈયબાના કમાન્ડર કાસિમના વીડિયોએ પાકિસ્તાનના દાવાઓને ખોટા સાબિત કર્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button