કેરળમાં ભારે વરસાદથી ભૂસ્ખલનઃ ચાર જિલ્લામાં રેડ એલર્ટ…

તિરુવનંતપુરમઃ કેરળમાં અવિરત વરસાદને કારણે ગુરૂવારે કોઝિકોડ જિલ્લામાં ભૂસ્ખલન થયું અને ઘરો પાણીમાં ગરકાવ થયા હતા. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વિવિધ નદીઓના જળસ્તર વધી ગયા હતા.
કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉપ્પલા, મંજેશ્વરમ, મધુર અને પુથિગે સહિત વિવિધ નદીઓમાં પાણીના સ્તર વધી ગયા હતા. જેથી અધિકારીઓએ આ નદીઓના કિનારે રહેતા લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી હતી. રાજ્યના કોઝિકોડમાં કોરાપુઝા અને કુટ્ટિયાડી નદીઓ, કન્નુરમાં પેરુમ્બા અને વાયનાડ જિલ્લામાં કબાનીના સંબંધમાં અધિકારીઓ દ્વારા સમાન ચેતવણી જારી કરવામાં આવી હતી.
ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ વરસાદ ચાલુ રહેતાં આજે કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વધારીને રેડ એલર્ટ જારી કર્યું હતું. ત્રિશુર, પલક્કડ અને મલપ્પુરમ જિલ્લામાં યલો એલર્ટને પણ ઓરેન્જ એલર્ટમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે રેડ એલર્ટ ૨૪ કલાકમાં ૨૦ સેમીથી વધુ ભારેથી અતિ ભારે વરસાદનો સંકેત આપે છે, જ્યારે ઓરેન્જ એલર્ટનો અર્થ ૧૧થી ૨૦ સેમી સુધીનો ભારે વરસાદ અને યલો એલર્ટ એટલે ૬ થી ૧૧ સેમી સુધીનો ભારે વરસાદ થાય છે.
ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તરીય જિલ્લાઓ વાયનાડ, કન્નુર અને કાસરગોડ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જ્યારે કોઝિકોડ જિલ્લા માટે ૧૯ અને ૨૦ જુલાઇ અને મલપ્પુરમ જિલ્લા માટે ૨૦ જુલાઇએ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.