ઉત્તરાખંડમાં ભૂસ્ખલન: ધૌલીગંગા પ્રોજેક્ટની ટનલમાં 19 શ્રમિક ફસાયા

પિથૌરાગઢઃ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના ધારચુલા નજીક એલાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ધૌલીગંગા પાવર પ્રોજેક્ટની સામાન્ય અને ઈમરજન્સી ટનલ તરફ જતો બંધ થઈ ગયો હતો જેના કારણે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (એનએચપીસી)ના 19 શ્રમિક પાવર હાઉસની અંદર ફસાઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ધારચુલાના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે કાટમાળ દૂર કરવા માટે મશીનો કામે લગાડવામાં આવી છે અને સાંજ સુધીમાં રસ્તો સાફ કરવામાં આવશે, ત્યાર બાદ બધા કામદારો બહાર આવી શકશે.
તેમણે કહ્યું હતું કે ઉપરથી સતત કાટમાળ પડવા છતાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના જેસીબી મશીનોની મદદથી કાટમાળ દૂર કરવાનું કામ ચાલી રહ્યું છે. વર્માએ કહ્યું હતું કે બધા કામદારો સુરક્ષિત છે અને પાવર હાઉસનો રસ્તો ખુલ્યા પછી તેઓ બહાર નીકળી જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાવર પ્રોજેક્ટમાંથી વીજળીનું ઉત્પાદન સામાન્ય રીતે ચાલુ છે.