Land For Job Case: લાલુ, રાબડી અને તેજસ્વીને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા
નેશનલ

Land For Job Case: લાલુ, રાબડી અને તેજસ્વીને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જમીનના બદલામાં નોકરી આપવાના કોભાંડ કેસમાં લાલુ પરિવારના સભ્યોને રાહત આપતા જામીન આપ્યા છે. આરજેડી સુપ્રીમો લાલુ યાદવ, બિહારના ઉપમુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને રાબડી દેવીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્રણેય લોકોને 50 હજારના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. આ મામલાની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે. આ કેસમાં લાલુ પરિવાર પણ હાજર થવા માટે દિલ્હી પહોંચી ગયો હતો.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન લાલુ પરિવારના ત્રણ સભ્યો ઉપરાંત 17 આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા. જમીનના બદલામાં નોકરી આપવાના કોભાંડ મામલે આ નવો કેસ છે. આ કેસમાં તેજસ્વીની સાથે તેના માતા-પિતા લાલુ અને રાબડી દેવીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને 3 જુલાઈએ ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં તેજસ્વીને આરોપી બનાવવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બરમાં રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પરિવાર સહિત તમામ આરોપીઓને 4 ઓક્ટોબરે તેમની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કેસની સુનાવણી માટે જ લાલુ પરિવાર બિહારથી દિલ્હી આવ્યો હતો.

જમીનના બદલામાં નોકરી આપવાનો આ મામલો મનમોહન સિંહના કાર્યકાળનો છે. લાલુ યાદવ યુપીએ-2 સરકારમાં દેશના રેલ્વે પ્રધાન પદ પર હતા. લાલુ યાદવ પર જમીનના બદલામાં લોકોને છેતરપિંડી કરીને નોકરી આપવાનો આરોપ છે. આ મુદ્દે લાલુ પરિવાર સતત ઘેરાયેલો રહ્યા છે. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. ED મની લોન્ડરિંગના એંગલથી પણ આની તપાસ કરી રહી છે. લેન્ડ ફોર જોબ્સ કેસમાં લાલુ પરિવારના નજીકના લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button