SIRમાં ચૂંટણી પંચની મોટી ભૂલ! સોફ્ટવેરની ખામીને કારણે બંગાળના 31 લાખ મતદારો ‘ગાયબ’

કોલકાતા: ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડીયા (ECI) દ્વારા હાથધરવામાં આવી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા વિવાદમાં રહી છે. એવામાં ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે SIRની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવામાં આવતી એપ્લિકેશનમાં ખામીઓને કારણે પશ્ચિમ બંગાળમાં 31 લાખ મતદારો 2002 ની મતદાર યાદી સાથે લિંક થઈ શક્યા નથી, જેને કારણે હોબાળો મચી ગયો છે. જેને ધ્યાનમાં લેતા ચૂંટણી પંચે આજથી ફરિયાદ સાંભળવાની પ્રક્રિયા પણ મોકૂફ રાખી છે.
ચૂંટણી પંચે 16 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડી હતી. વર્ષ 2002માં બંગાળમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયાની મતદાર યાદીમાં હાલના 31 લાખ મતદારો પોતાનું અથવા તેમના માતાપિતા કે દાદા-દાદીના નામ શોધી શક્યા ન હતાં.
સુનાવણી પર રોક:
58.2 લાખ લોકોના નામ પહેલાથી જ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે, ત્યારે આ 31 લાખ ‘અનમેપ્ડ’ મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEOs) પાસે દસ્તાવેજો ચકાસણી કરાવવા બોલાવવામાં આવ્યા છે. આ સુનાવણી શનિવારથી શરૂ થઈ હતી, હવે આ સુનાવણી પર રોક લગાવવામાં આવી છે. આ રોક ફક્ત એવા મતદારોને માટે જ છે, જેમના નામ સોફ્ટવેરમાં મળ્યા નથી, પરંતુ 2002 ની મતદાર યાદીની હાર્ડ કોપીમાં તેમના નામ હાજર છે.
ચૂંટણી પંચની ગંભીર ભૂલ!
સુનાવણી પર રોક લગાવવાના કારણ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે અધિકારીઓએ 2002 ની મતદારયાદીની કાગળની નકલો તપાસી, ત્યારે તેમને જાણવા મળ્યું કે ચૂંટણી પંચના સોફ્ટવેર પર “અનમેપ્ડ” તરીકે દર્શાવવામાં આવેલા મતદારો અથવા તેમના બાળકોના નામ હાર્ડ કોપીમાં હાજર છે.
2002ની મતદાર યાદીની હાર્ડ કોપીમાં પણ જેમના નામ મળ્યા નથી એવા “અનમેપ્ડ” કેસોની સુનવણી પર આ રોક લગાવવામાં આવી નથી.
EROએ પત્ર લખી ચિંતા વ્યક્ત કરી:
ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર(ERO) તરીકે ફરજો બજાવતા અધિકારીઓએ 24 ડિસેમ્બરે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી(CEO) અને ચૂંટણી પંચને પત્ર લખીને ERO ની ભૂમિકાને બાયપાસ કરીને મોટા પાયે સિસ્ટમમાંથી મતદારોના ડિલીટ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ પણ “સિસ્ટમ-જનરેટેડ” નોટિસનો વિરોધ કરતું એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું. રાજ્યના એડિશનલ ઈલેક્શન ઓફિસરએ હસ્તક્ષેપ કર્યો અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આવા “અનમેપ્ડ” લોકોને સુનાવણી માટે બોલાવવાનું બંધ કરવા કહ્યું.
ઓફિસરએ જણાવ્યું કારણ:
એડિશનલ ઈલેક્શન ઓફિસરએ પત્રમાં જણાવવામાં આવ્યું કે ઘાણા મતદારોને “અનમેપ્ડ” ગણાવવામાં આવ્યા છે, કારણ કે 2002 ની મતદાર યાદીની PDF ફાઇલ સંપૂર્ણપણે CSV અથવા પ્લેઈન ટેક્સ્ટ ફોર્મેટમાં કન્વર્ટ થઇ શકી ન હતી. પરિણામે, BLO એપ-EC ના બૂથ લેવલ ઓફિસરોના ઉપયોગ માટે બનાવવામાં આવેલી એપ્લિકેશનમાં ઘણા મતદારોને લિંક થઇ શક્યા નહીં. તેમ છતાં આ મતદારોને અથવા તેમના બાળકો DEO દ્વારા પ્રમાણિત અને CEO ની વેબસાઇટ પર પ્રકાશિત 2002ની મતદાર યાદીની હાર્ડ-કોપી પર મળી આવ્યા હતાં.
પશ્ચિમ બંગાળમાં જાહેર થયેલી આ ગંભીર ખામી અન્ય રાજ્યોમાં થયેલા SIRમાં થઇ હોઈ શકે છે, ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ આ અંગે વધુ માહિતી મળી શકશે.
આ પણ વાંચો…SIR: રાજ્યના અડધાથી વધુ ‘શિફ્ટ’ થયેલા મતદારો માત્ર અમદાવાદ અને સુરતના



