એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરતા ખળભળાટ

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેસેન્જરે કોકપીટનો દરવાજો ખોલવાની કોશિશ કરી હતી, જેને કારણે વિમાનની અંદર ખળભળાટ મચી ગયો. પ્રવાસીએ યોગ્ય પાસકોડ પણ નાખ્યો હતો, પરંતુ અપહરણના ડરને કારણે ફ્લાઈટના પાઈલટે દરવાજો ખોલ્યો નહોતો.
બેંગલુરુથી વારાણસી જઈ રહેલી એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવાની કોશિશ કરવામાં આવી હતી. ઓન એર પ્લેનમાં કોકપીટનો દરવાજો ખોલવાની પ્રવાસીઓ દ્વારા કોશિશ કરવામાં આવી હતી અને પાસકોડ પણ નાખ્યો હતો. પાઈલટને હાઈજેક કરવાની શંકાને કારણે ગેટ ખોલ્યો નહોતો.
આ પણ વાંચો: આ કારણે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાના કર્મચારીઓની અરજીની સુનાવણી ન કરી
આ બનાવની જાણકારી એટીસીને આપવામાં આવી હતી, જ્યારે સુરક્ષા એજન્સીને પણ માહિતી આપવામાં આવી હતી. વારાણસીમાં ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યા પછી કોકપીટનો ગેટ ખોલવાની કોશિશ કરનારા બે પેસેન્જર સહિત નવ લોકોની અટક કરવામાં આવી હતી તેમ જ વારાણસી પોલીસની સાથે ગુપ્તચર વિભાગની એજન્સી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન આઈએક્સ 1086 બેંગલુરુમાં તેના નિર્ધારિત સમયે ઉડાન ભરીને સવારે વારાણસી માટે રવાના થયું હતું. ઓન એર ફ્લાઈટ હતી, ત્યારે પ્લેનમાં રહેલા બે પ્રવાસીએ કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો હતો અને કોકપીટના કેબિન ગેટ ખોલવા માટેનો પાસવર્ડ પણ નાખ્યો હતો. એ જ વખતે વિમાનમાં કોકપીટ ખોલવા માટે પાસકોડ નાખતા પાઈલટની પાસે સિગ્નલ પહોંચ્યું હતું. પાઈલટે સીસીટીવીમાં જોયું તો આશ્ચર્ય થયું હતું. સીસીટીવીમાં બે પેસેન્જર જોવા મળ્યા હતા. એ જ વખતે વિમાનનું અપહરણ થવાની શંકાએ દરવાજો ખોલ્યો નહોતો.
આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી, દિલ્હી એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
જોકે, ફ્લાઈટ વારાણસીમાં સુરક્ષિત લેન્ડિંગ પછી એટીસીએ સુરક્ષાના ભાગરુપે સીઆરપીએફની સતર્ક કરી હતી. વારાણસી સ્થિત બાબતપુર એરપોર્ટ ખાતે પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ કર્યા પછી નવ પેસેન્જર સહિત નવ જણની અટક કરી હતી. આ કેસમાં વધુ તપાસ માટે ડીસીપી સહિતના અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થયા હતા.