નેશનલ

મુંબઈ જતા ડરી રહ્યો છે કામરા, આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં…

મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલીઓ વધી રહી છે. એકનાથ શિંદે પર વ્યંગાત્મક કોમેડી કરવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. જેથી એકનાથ શિંદેની શિવસેનાએ જયાં કુણાલ કામરાનો શો યોજાયો હતો તે સ્ટૂડિયોને પણ તોડી પાડ્યો હતો. કામરા સામે એફઆઈઆર પણ નોંધાયેલી છે. પોતાની સામે નોંધાયેલી FIRમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે મદ્રાસ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. પરંતુ શું તેને આગોતરા જામીન મળશે કે કેમ? કારણ કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પર બનાવેલા પેરોડી ગીત માટે કામરા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

31 માર્ચે હાજર થવા માટે મુંબઈ પોલીસે કામરાને નોટિસ મોકલી હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ઝીરો એફઆઈઆર શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલની ફરિયાદ પર નોંધવામાં આવી હતી, જેને બાદમાં મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 353(1)(b), 353(2) (જાહેર ઉપદ્રવ) અને 356(2) (માનહાનિ) હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. કામરાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે તમિલનાડુના વિલુપ્પુરમનો કાયમી રહેવાસી છે, તેથી તેણે ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે, 31 માર્ચે હાજર થવા માટે મુંબઈ પોલીસે કામરાને નોટિસ મોકલી હતી. પરંતુ ત્યા હાજર રહેવા માટે કામરાએ સાત દિવસનો સમય માંગ્યો છે.

આ પણ વાંચો:કુણાલ કામરાની ધરપકડના ભણકારાઃ મહારાષ્ટ્ર કાઉન્સિલે બ્રિચ ઓફ પ્રિવિલેજ નોટિસ ફટકારી…

શિવસેનાએ “શિવસેના સ્ટાઇલ” માં પાઠ ભણાવવાની ચેતવણી આપી

આ કેસમાં કામરાએ માંફી માંગવાની ના પાડી દીધી છે. પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ‘મેં જે કહ્યું તે મહારાષ્ટ્રના પહેલા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એકનાથ શિંદે વિશે જે કહ્યું હતું તે જ છે. હું માફી નહીં માંગું પણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીશ.’ અત્યારે આ વિવાદ વધી વણસી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ શિવસેનાના નેતાઓએ કામરાને “શિવસેના સ્ટાઇલ” માં પાઠ ભણાવવાની ચેતવણી પણ આપી છે. જો કે, આ વચ્ચે કામરાએ મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

500 થી વધારે ધમકી ભર્યા કોલ આવ્યાંઃ કામરાનો દાવો

કામરાએ પોતાની કોમેડીમાં એકનાથ શિંદે પર વ્યંગાત્મક કોમેડી કરી હતી. આ ઘટના બાદ શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કામરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે કામરાને પુછપરછ માટે હાજર રહેવા માટે સમન્સ પણ આપ્યું હતું. પરંતુ તે પુછપરછ માટે હાજર રહ્યો નથી. આ સાથે કામરાએ કહ્યું કે, તેને 500 થી વધારે ધમકી ભર્યા કોલ આવ્યાં છે. કેટલાક લોકો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યાં છે, જેથી તેણે પુછપરછ હાજર રહેવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. અત્યારે કારરા પોંડિચેરીમાં છે અને મુંબઈમાં પોતાની સુરક્ષા માટે ચિંતિત છે એટલા માટે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો:ભારત કોઈ ધર્મશાળા નથી કે…. લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલની ચર્ચા પર બોલ્યા અમિત શાહ

જાણો શું ઝીરો FIR અને ટ્રાન્ઝિટ આગોતરા જામીન?

ઝીરો FIR એ એવી FIR છે જે કોઈપણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ શકે છે. ગુનો ભલે તે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ન થયો હોય, ત્યા જે FIR નોંઘનામાં આવે તેને ઝીરો FIR કહેવામાં આવે છે કારણ કે ઝીરો FIR શરૂઆતમાં નંબર વિના નોંધાય છે અને પછીથી સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તેનો હેતુ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. જો ટ્રાન્ઝિટ આગોતરા જામીન વિશે વાત કરવામાં આવે તો તે એક કાનૂની ઉપાય છે, જેમાં વ્યક્તિ તે રાજ્યની કોર્ટમાંથી આગોતરા જામીન માંગે છે જ્યાં તે હાજર હોય છે, જેથી તે બીજા રાજ્યમાં નોંધાયેલા કેસમાં ધરપકડની કાર્યવાહીને ટાળી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિને લાગે કે મુસાફરી દરમિયાન તેની ધરપકડ થઈ શકે છે ત્યારે આ ઉપયોગી છે.

વ્યંગ અમે પણ સમજીએ છીએ, પરંતુ તેની મર્યાદા હોયઃ ફડણવીસ

ઉદ્ધવ ઠાકરેએ પણ કુણાલ કામરાનું સમર્થન કહ્યું કે, ‘કુણાલ કામરાએ કોઈ ખોટી વાત નથી કરી!, કુણાલે લોકોની ભાવનાઓને અવાજ આપ્યો અને સાચુ કહ્યું છે.’ ઉદ્ધવ ઠાકરે સાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓ કામરાને સમર્થન આપ્યું છે. આ સાથે કોંગ્રેસ નેતા હર્શવર્ધન સપકલએ મહારાષ્ટ્ર સરકાર પર “તાલિબાન શાસન”નો આરોપ લગાવ્યો છે. આ કેસમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘વ્યંગ અમે પણ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોય છે.’ હેબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ કર્યા પછી, શિંદે જૂથની શિવસેનાના કાર્યકરોએ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં શિવસેનાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રાહુલ કનાલનો પણ સમાવેશ થાય છે, જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button