કોલકત્તા ગેંગરેપ કેસ: CCTV ફૂટેજમાં સામે આવ્યું ઘટનાનું સત્ય, શું કહે છે પીડિતાનો મેડિકલ રિપોર્ટ?

કોલકત્તા: પશ્વિમ બંગાળથી ફરી એકવાર રેપની ઘટના સામે આવી છે. કોલકત્તાની જાણીતી લૉ કૉલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગરેપની ઘટનાની સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઈ છે. આ કેસની તપાસ માટે કોલકત્તા પોલીસે 5 સભ્યોની SITનું ગઠન કરવામાં આવ્યું છે. ત્યારે આ સંવેદનશીલ કેસમાં કોલકત્તા પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચી છે?
હૉકી સ્ટિક વડે મને ધમકાવવામાં આવી: પીડિતાનું બયાન
25 જૂન 2025ના રોજ દક્ષિણ કોલકાત્તાની એક લૉ કોલેજના ગાર્ડ રૂમમાં ત્રણ શખ્શોએ એક વિદ્યાર્થિની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. પીડિત વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે કોલકત્તા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને આપેલા બયાનમાં પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ તેને કૉલેજ કેમ્પસના ડી બ્લોકમાં આવેલા ગાર્ડ રૂમમાં બોલાવી હતી. જ્યાં ત્રણ લોકો પહેલાથી જ હાજર હતા. તેમણે મને બંધક બનાવી તથા હૉકી સ્ટિક બતાવી ધમકાવીને એક મહિલા સાથે ન કરાય એવો વ્યવહાર કર્યો હતો.
પોલીસને મળ્યા મહત્ત્વના પુરાવા
કોલકત્તા પોલીસે પીડિતાના બયાનના આધારે ક્રાઇમ સીન રીક્રિએટ પણ કર્યો હતો. સાથોસાથ લૉ કોલેજના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો દ્વારા બળજબરીપૂર્વક ગાર્ડ રૂમમાં લઈ જવાતી પીડિતા નજરે પડી હતી. આ સિવાય ઘટનાસ્થળે ગાર્ડની હાજરી પણ જોવા મળી હતી.
કોલકત્તા પોલીસે લૉ કૉલેજના સ્ટુડન્ટ યુનિયન રૂમ, વૉશરૂમ અને ગાર્ડ રૂમમાંથી મહત્ત્વના પુરાવાઓ એકઠા કર્યા છે. જેમાં વાળનો ગુચ્છો, અજાણ્યા લિક્વિડની ભરેલી બોટલ અને હૉકી સ્ટિકનો સમાવેશ થાય છે. જેને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પીડિતાનો મેડિકલ રિપોર્ટ શું કહે છે?
કોલકત્તા લૉ કૉલેજ ગેંગરેપ કેસની પીડિતાના મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પીડિતા સાથે જાતીય અને મૌખિક સતામણી કરવામાં આવી છે. તેના ગળા પર ઉઝરડાના નિશાનો જોવા મળ્યા છે. આ સિવાય તેની છાતી અને જાંઘના અંદરના ભાગ પર પણ ઈજાના નિશાનો જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડૉક્ટર્સે સ્પષ્ટપણે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું છે કે, આ કેસમાં રેપની સંભાવના નકારી શકાય તેમ નથી. જોકે પીડિતાનો પ્રેગ્નેન્સી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો છેલ્લો માસિક સ્રાવ 18 જૂને આવ્યો હતો.
આ પણ વાંચો…કોલકાત્તા લો કોલેજમાં ગેંગરેપ: SIT તપાસ કરશે, આરોપીના પિતાનો દીકરાના કૃત્ય પર રોષ