લાલુના પરિવારમાં ડખો કરાવનારા રમીઝ ખાન કોણ છે ? સંજય યાદવ પણ ચર્ચામાં

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની હાર બાદ પાર્ટીના વડા લાલુ યાદવનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. લાલુની દીકરી રોહિણી આચાર્યએ શનિવારે રાજકારણ અને પરિવાર છોડવાની જાહેરાત કરી હતી. રોહિણી આચાર્યએ આરોપ લગાવ્યો કે તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ અને રમીઝ ખાને તેમને આ પગલું ભરવા મજબુર કર્યા.
નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ ગંભીર બીમારીમાંથી પસાર થઇ રહ્યા હતાં, ત્યારે રોહિણી આચાર્યએ તેમને કિડની દાન કરી હતી. હવે તેમણે પરિવારનો ત્યાગ કરવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. RJDમાં હાલ સંજય યાદવ અને રમીઝ ખાનની ચર્ચા થઇ રહી છે. આ બંનેના નામ અગાઉ બિહારના રાજકારણમાં સાંભળવા મળતાં ન હતાં, પણ આ ચૂંટણીમાં બંને એ મોટી ભૂમિકા નિભાવી હતી.
કોણ છે રમીઝ આલમ?
રમીઝ નેમત ખાન તેજસ્વી યાદવની મુખ્ય ટીમના ભાગ છે, બંને વર્ષો જુના મિત્ર છે. રમીઝ ખાન તેજસ્વી યાદવ અને પાર્ટીની સોશિયલ મીડિયા અને પ્રમોશનની જવાબદારી સંભાળે છે.
અહેવાલ મુજબ, વર્ષ 1986માં જન્મેલા રમીઝ ખાન મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. રમીઝ ખાનના પિતા નેમાતુલ્લાહ ખાન જામિયા મિલિયા ઇસ્લામિયામાં પ્રોફેસર છે. રમીઝ ખાને દિલ્હીના મથુરા રોડ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને જામિયામાંથી BA અને MBAની ડિગ્રી મેળવી હતી.
રમીઝને બાળપણથી જ ક્રિકેટરનો શોખ હતો, તેમણે 2008-09માં ઝારખંડ અંડર-22 ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન, તેની તેજસ્વી યાદવ સાથે દોસ્તી થઇ, અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2016માં RJDમાં જોડાયા, ત્યારથી તેઓ તેજસ્વી યાદવની ટીમના મુખ્ય સભ્ય રહ્યા છે.
રમીઝ હવે શ્રાવસ્તી તરીકે ઓળખાતી બલરામપુર લોકસભા બેઠકના ભૂતપૂર્વ સાંસદ રિઝવાન ઝહીરના જમાઈ છે. રમીઝ ખાનના સસરા રિઝવાન ઝહીર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (BSP) ની તરફથી બે વખત સાંસદ રહી ચુક્યા છે.
રમીઝની પત્ની ઝેબા રિઝવાન તુલસીપુર બેઠક પરથી એક વાર કોંગ્રેસની ટિકિટ પર અને એક વાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુકી છે, બંને વખત તેને હાર મળી.
રમીઝ સામે નોંધાયેલા છે સંખ્યબંધ કેસ:
2021માં તુલસીપુરમાં જિલ્લા પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા મામલે રમીઝ પર કેસ પણ નોંધવામાં આવ્યો હતો. તેમના પર કોંગ્રેસના નેતા દીપંકર સિંહ અને તેમના માણસો પર હુમલો કરવાનો આરોપ હતો.
તુલસીપુર નગર પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ફિરોઝ પપ્પુની હત્યા કેસમાં વર્ષ, 2022 માં, રમીઝ ખાન, તેની ઝેબા, સસરા રિઝવાન ઝહીર અને અન્ય ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રમીઝ ખાન પર પ્રતાપગઢ કોન્ટ્રાક્ટર શકીલ ખાનની હત્યાનો પણ આરોપ છે.
આ ઉપરાંત રમીઝ ખાન પર ઘણાં કેસ નોંધવામાં આવેલા છે, કેટલાક કેસમાં તેણે જામીન મળી ગયા છે, જ્યારે કેટલાક પેન્ડિંગ છે. તેમની સામે બલરામપુરમાં નવ અને કૌશાંબીમાં બે કેસ દાખલ છે. વર્ષ 2023માં રમીઝ ખાન સાથે જોડાયેલી રૂ.4.95 કરોડની જમીન જપ્ત કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આપી રાહત:
જુલાઈ 2024 માં ગેંગસ્ટર એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં અવી હતી, આ વર્ષે એપ્રિલમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ રમીઝ ખાન અને તેની પત્નીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી, કોર્ટે તેમની ધરપકડ કરવા અથવા નવી ટ્રાયલ શરૂ કરવા માટે કોઈપણ પગલાં લેતા પહેલા અધિકારીઓને સ્થાનિક કોર્ટની પરવાનગી લેવાનો નિર્દેશ આપ્યો.
રોહિણી આચાર્યએ તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવનું નામ પણ લીધું હતું, બિહાર વિધાનસભા ચૂંટણી બાદ સંજય યાદવનું નામ પણ ચર્ચામાં છે.
સંજય યાદવ વિષે જાણવા માટે આ લેખ વાંચો.
આપણ વાંચો: ભાજપે ટિકિટ ન આપી તો RSSના કાર્યક્રરે કરી લીધી આત્મહત્યા



