
ખંડવા : નવરાત્રિના નવ દિવસ દરમિયાન ઘણી જગ્યાએ મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, જ્યારે દશેરાના દિવસે માતા દૂર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. જોકે, આજે વિસર્જનના દિવસે મધ્ય પ્રદેશ (એમપી)ના ખંડવામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. માતાજીની મૂર્તિના વિસર્જન વખતે ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું, જેમાં દસેક લોકોનાં મોત તથા હજુ અનેક લોકો ગુમ છે.
ટ્રેક્ટરમાં વીસથી વધુ લોકો સવાર હતા
ખંડવાના પંધાના પોલીસ સ્ટેશન વિસ્તારના અરદલા કલા ગામના કેટલાક લોકો મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ટ્રેક્ટર લઈને જઈ રહ્યા હતા. ટ્રેક્ટર જ્યારે આ વિસ્તારની જમાલી પાસેની આબના નદીના પુલ પાસેથી પસાર થયું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેક્ટર ચાલકે સંતુલન ગુમાવતા ટ્રેક્ટર ટ્રોલી સહિત નદીમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરમાં અંદાજિત 20-22 લોકો સવાર હતા. તે તમામ નદીમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં વિસર્જનને કારણે 22 લોકોના મોત
વિસર્જનના દિવસના કારણે અનેક લોકો નદીના ઘાટ પાસે હાજર હતા. તેમણે પણ નદીમાં ડૂબેલા લોકોને બચાવવાની કોશિશ કરી હતી. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના બાળક છે. તમામના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હજુ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, જ્યારે 14 લોકો ગાયબ છે, એમ પ્રશાસને જણાવ્યું હતું.
રેસ્ક્યૂ કરવામાં આવેલા લોકોને નજીકના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ટ્રેક્ટર પુલ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તે નદીમાં પલટી ખાઈ ગયું હતું.