
કર્ણાટકના વિજયપુરામાં એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પહોંચ્યા હતા. આ ચૂંટણી રેલી દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું કે જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. તેમણે કર્ણાટકના રાજકારણમાં તેમના ભૂતકાળનો એક મહત્વનો કિસ્સો સંભળાવતા કહ્યું કે 1999ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિપક્ષના નેતા હતા, છતાં મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. તેમના બદલે એસએમ કૃષ્ણાને આ પદ સોંપવામાં આવ્યું હતું.
વિજયપુરામાં યોજાયેલી ચૂંટણી સભામાં ખડગેએ જણાવ્યું કે 1999ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટણી લડી હતી અને પાર્ટીને સત્તામાં લાવવા માટે સખત મહેનત કરી હતી. જોકે, એસએમ કૃષ્ણા, જેમણે ચૂંટણીના માત્ર ચાર મહિના પહેલા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો, તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ખડગેએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું, “મેં પાર્ટીને સત્તામાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી મહેનત વ્યર્થ ગઈ.” આ ઘટના ક્રમથી ખડગેની પાર્ટી સાથે અનબંધ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.
1999ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 224માંથી 132 બેઠકો જીતીને શાનદાર વિજય મેળવ્યો હતો. ભાજપને બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં 44 બેઠકો મળી, જ્યારે જનતા દળ (યુનાઈટેડ)ને 18 અને જનતા દળ (સેક્યુલર)ને 10 બેઠકો મળી હતી. આ જીત બાદ એસએમ કૃષ્ણાએ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ખડગે આ સમયગાળા દરમિયાન કૃષ્ણા અને તેમના અનુગામી કોંગ્રેસ મુખ્યમંત્રીઓના મંત્રીમંડળમાં મંત્રી તરીકે રહ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેની રાજકીય કારકિર્દી દાયકાઓ સુધી ફેલાયેલી છે. 2009માં તેમણે લોકસભા ચૂંટણી લડી અને કેન્દ્રમાં શ્રમ અને રોજગાર મંત્રી તરીકે નિયુક્ત થયા. તેમણે રેલવે અને સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2020માં, 78 વર્ષની વયે, તેઓ કર્ણાટકમાંથી રાજ્યસભામાં ચૂંટાયા અને 2021માં રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા. 2022માં, ખડગેએ શશિ થરૂરને હરાવીને કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, અને 24 વર્ષમાં પ્રથમ બિન-ગાંધી અધ્યક્ષ બન્યા, જેમણે સોનિયા ગાંધીનું સ્થાન લીધું.
ખડગેનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી માટે નવો યુગ લઈને આવ્યું છે. તેમનો અનુભવ અને રાજકીય કુશળતા પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 1999ની ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે કર્ણાટકના રાજકારણમાં તેમના યોગદાનને યાદ કરાવ્યું છે, જે રાજ્યના કોંગ્રેસ કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવી શકે છે. તેમની આ વાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, જે પાર્ટીની આંતરિક ગતિશીલતા પર પણ પ્રકાશ ફેંકે છે.
આ પણ વાંચો…કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મોદી અને આરએસએસ પર કર્યાં આકરા પ્રહાર, શું કહ્યું જાણો