કેરળ પોલીસે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ કેસ નોંધ્યો
કોચી પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં થયેલા વિસ્ફોટો બોમ્બ બ્લાસ્ટ અંગે ભ્રામક ટિપ્પણીઓ બદલ કેસ નોંધ્યો હતો. રાજીવ ચંદ્રશેખર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153 (હુલ્લડ માટે ઉશ્કેરણી) અને 153 A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા) અને અને કેરળ પોલીસ અધિનિયમની કલમ 120 (o) (ઉપદ્રવ પેદા કરવા અને જાહેર વ્યવસ્થાના ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા બદનામ મુખ્ય પ્રધાન (અને રાજ્યના ગૃહ પ્રધાન) પિનરાઈ વિજયનની તુષ્ટિકરણની બેશરમ રાજનીતિ. તેઓ દિલ્હીમાં બેસીને ઈઝરાયલનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેરળમાં આતંકવાદી હમાસ દ્વારા જેહાદની ખુલ્લી હાકલને કારણે નિર્દોષ ખ્રિસ્તીઓ પર હુમલા અને બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે.’ આ પછી સોમવારે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને ચંદ્રશેખર વચ્ચે શબ્દ યુદ્ધ થયું હતું..
બોમ્બ બ્લાસ્ટના કલાકો પછી, યહોવાહના સાક્ષી સંપ્રદાયના જ એક સભ્યએ થ્રિસુર જિલ્લા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી.
મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને કહ્યું હતું કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતું નિવેદન કરશે, પછી ભલે તે કેન્દ્રીય અથવા રાજ્ય પ્રધાન હોય, તેની સામે કેસ નોંધવામાં આવશે. દરમિયાન, કોંગ્રેસે કેરળ પોલીસ વડા સમક્ષ ચંદ્રશેખર, ભાજપના રાષ્ટ્રીય સચિવ અનિલ કે એન્ટની, ગોવિંદન, પૂર્વ એર્નાકુલમ સાંસદ સેબેસ્ટિયન પોલ, ભાજપના પૂર્વ પ્રવક્તા સંદીપ જી વેરિયર અને તૃણમૂલ કોંગ્રેસના દક્ષિણ ભારતીય યુનિટના કન્વીનર રીવા થુલુર ફિલિપ સામે વિરુદ્ધ રાજ્યમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાના હેતુથી કરેલી કથિત ટિપ્પણી બદલ કેસ દાખલ કર્યો છે.
રવિવારે સવારે પ્રાર્થના સભમાં થયેલા વિસ્ફોટોમાં શરૂઆતમાં એક મહિલાનું મોત થયું હતું અને 60 અન્ય લોકો ઘાયલ થયા હતા, જેમાંથી છની હાલત ગંભીર હતી. આ પછી, એક 53 વર્ષીય મહિલા, જે ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને અકસ્માતમાં 95 ટકા દાઝી ગયેલી 12 વર્ષની છોકરીનું પણ સોમવારે સવારે મૃત્યુ થયું હતું.