કેરળ બોમ્બ વિસ્ફોટ: યુપી હાઈ એલર્ટ પર, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને કેરળ પોલીસનો સંપર્ક કર્યો
કેરળના એર્નાકુલમમાં ઈસાઈ સમુદાયના કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટ બાદ ઉત્તર પ્રદેશ(યુપી)માં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપી એન્ટી ટેરરીઝમ સ્કવોડ(એટીએસ) અને તમામ જિલ્લાઓની પોલીસ વડાને વધુ સતર્કતા દાખવવા અને શંકાસ્પદોની ઓળખ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ ઈઝરાયેલ-પેલેસ્ટાઈનને લગતા દરેક વિરોધ પ્રદર્શન પર ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધને ધ્યાનમાં રાખીને અગાઉ પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. કેરળમાં તાજેતરમાં બનેલી ઘટના અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સમર્થનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ઉપસ્થિત લોકો તેમજ વર્ચ્યુઅલ રીતે જોડાયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે યુપી પોલીસ કેરળ પોલીસ અને અન્ય કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં છે. રાજ્યમાં કેરળના કટ્ટરપંથી સંગઠનો સાથે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
રાજ્યમાં PFI, CFI, વહદત-એ-ઈસ્લામી વગેરે સંગઠનો સાથે જોડાયેલા તમામ શંકાસ્પદ લોકો તપાસ એજન્સીઓના નિશાના પર છે. તાજેતરમાં NIAએ લખનઉ, ભદોહી, સંત કબીરનગર, બલિયા સહિત સાત જિલ્લાઓમાં આ સંગઠનો સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ અંગેની ગુપ્ત માહિતી યુપી એટીએસ સાથે પણ શેર કરવામાં આવી છે.
કેરળમાં થયેલા આ સિરિયલ બ્લાસ્ટ બાદ મુંબઈ પોલીસ પણ એલર્ટ પર છે. જોકે, મુંબઈ પોલીસનું કહેવું છે કે તહેવારોની સિઝન અને ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને અમે પહેલેથી જ કડક સુરક્ષા ગોઠવી છે. મુંબઈ યહૂદી સેન્ટર છાબડા હાઉસમાં પહેલેથી જ 24 કલાકની કડક સુરક્ષા વ્યવસ્થા છે.