કેરળ બ્લાસ્ટઃ વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત, મૃત્યુઆંક 5 પર પહોંચ્યો
એર્નાકુલમ: કેરળના એર્નાકુલમમાં 29 ઓક્ટોબરેના રોજ એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા હવે વધીને 5 થઈ ગઈ છે. આ અકસ્માતના 15 દિવસ બાદ વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બ્લાસ્ટમાં 52 થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના દિવસે બે લોકોના મોત થયા હતા. ધીરે ધીરે આ આંકડો 4 પર પહોંચ્યો હતો, આજે વધુ એક મોત બાદ આ આંકડાઓ 5 થયો છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસની તપાસ એડીજીપી લો એન્ડ ઓર્ડરના નેતૃત્વમાં 20 સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. કેરળ પોલીસનું કહેવું છે કે આ કેસમાં તપાસ ચાલી રહી છે. અમે ઘણા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઓળખ કરી છે જે ભડકાઉ પોસ્ટ કરે છે.
પોલીસે આ વિસ્ફોટના સંબંધમાં અત્યાર સુધીમાં 54 કેસ નોંધ્યા છે. મલપ્પુરમ જિલ્લામાં સૌથી વધુ 26 કેસ નોંધાયા છે. એર્નાકુલમમાં 15 કેસ નોંધાયા હતા. આ પછી તિરુવનંતપુરમમાં પાંચ કેસ નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટ 29 ઓક્ટોબરે સમારા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં થયો હતો. સવારે સાડા નવ વાગ્યે આ કેન્દ્રમાં યહોવાહના સાક્ષીઓ (ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય)ની એક સભા ચાલી રહી હતી. કાર્યક્રમ દરમિયાન હોલમાં 2 હજારથી વધુ લોકો હાજર હતા. પ્રાર્થના શરૂ થયાની પાંચ મિનિટમાં જ હોલમાં વિસ્ફોટ થયો હતો. પ્રથમ વિસ્ફોટના થોડા સમય બાદ બીજો વિસ્ફોટ પણ થયો હતો.
આ બ્લાસ્ટના બીજા દિવસે એક વ્યક્તિએ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારીને આત્મસમર્પણ કર્યું હતું. તેણે પોતે ખ્રિસ્તીઓના ‘યહોવાહના સાક્ષીઓ’ જૂથના સભ્ય હોવાનું કહ્યું હતું. જો કે તે જૂઠું બોલે છે કે સાચું બોલે છે કે કેમ તેની પોલીસ હજુ તપાસ કરી રહી છે. આત્મસમર્પણ કરનારની ઓળખ ડોમિનિક માર્ટિન તરીકે થઈ હતી. તેણે પોલીસને હુમલા સાથે જોડાયેલા કેટલાક પુરાવા પણ આપ્યા હતા.