
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુફૈન વિસ્તારમાં ગુરુવારે થયેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના 3 જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોએ 3 આતંકીને પણ ઠાર કર્યા હતા. સુરક્ષાદળોની ટીમ જંગલમાં સર્ચ ઓપરેશન કરતી હતી ત્યારે આ ઘટના બની હતી. આતંકીઓ દ્વારા અચાનક ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ પોલીસ ધીરજ કટોચ, બે અન્ય પોલીસકર્મી અને સ્પેશિયલ ફોર્સનો એક જવાન ઘાયલ થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ આ ઘટનામાં શહીદ થયા હતા. ઓપરેશન શરૂ હોવાથી અથડામણ સ્થળેથી હજુ સુધી મૃતદેહો કાઢી શકાયા નથી. એક અધિકારીએ મોડી રાતે જણાવ્યું કે, દિવસભર ફાયરિંગ શરૂ હતું. ઘાયલોને જમ્મુની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધી પછી હવે પપ્પુ યાદવને સ્પીકરે શિસ્ત જાળવવાની કરી ટકોર
રવિવારની સાંજે હિરાનગર સેક્ટરના સંયાલ ગામ નજીક થયેલી અથડામણ બાદ ભાગવમાં સફળ થયેલા આતંકી હોવાનું માનવામાં આવે છે. સુફૈનના જંગલથી સંયાલ ગામ 35 કિલોમીટર દૂર છે. સુરક્ષાદળોને આતંકવાદીઓની હાજરી વાળા વિસ્તારમાં એક ઝૂંપડું મળ્યું હતું. ટીમ પહોંચી ત્યાં સુધીમાં આતંકી ફરાર થઈ ગયા હતા. જે બાદ તેમનો પીછો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ભુવનેશ્વરમાં ધમાલઃ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, વીડિયો વાઈરલ
ઓપરેશન ચોથા દિવસે પ્રવેશી ચૂક્યું છે. જેમાં સેના, એનએસજી, બીએસએફ, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ ટીમ કામે લાગી છે. આ દરમિયાન બુલેટપ્રુફ વાહન, યુએવી, ડ્રોન અને સ્નિફર ડોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.