
બરફવર્ષા વચ્ચે પણ સરહદના રખવાળા એલર્ટ: સફેદ યુનિફોર્મ અને હાઈટેક સાધનો સાથે આતંકીઓ પર બાજ નજર
શ્રીનગરઃ કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારતની રક્ષા કરવા માટે ભારતીય સેના ખડેપગે રહે છે. એરફોર્સ અને નેવીના જવાનો ગરમી યા બરફવરસાદ યા આકરી ઠંડીમાં જવાનો હિંમતપૂર્વક દેશની રક્ષા કરે છે, પરંતુ તાજેતરમાં કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડીમાં સરહદ પર હિંમતપૂર્વક દેશની રક્ષા કરતો વીડિયો વાયરલ થયો હતો, જે જોઈને જવાન ચોક્કસ ગાશે સર કટા શકતે હૈ, લેકિન સર ઝુકા શકતે નહીં.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બાંદીપોરા અને બારામુલા જિલ્લાઓમાં એલઓસી પર તીવ્ર ઠંડી અને ત્રણથી ચાર ફૂટ ઊંડી બરફ જામી ગયો હોવા છતાં ભારતીય સેના અને બીએસએફના જવાનો હાઈ એલર્ટ મોડ પર રહે છે. દુશ્મન દેશ સમર્થિત આતંકવાદીઓની ઘૂસણખોરીની આશંકા વચ્ચે સેનાના જવાનો બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરી રહ્યાં છે. આ કઠોર પરિસ્થિતિઓમાં પણ તેમની દેશપ્રેમની ભાવના અટલ છે. દેશની સેવા માટે જવાનો અત્યારે દરેક પરિસ્થિતિમાં લડવા માટે સક્ષમ છે, ભારત સરકાર દ્વારા પણ સેના સંપૂર્ણ સુવિધા આપવામાં આવી રહી છે.

કાશ્મીરમાં ભીષણ ઠંડી અને બરફબારીની વચ્ચે પણ જવાનો અડગ
ચિલ્લાઈ કલાનમાં અત્યારે કાશ્મીરમાં ભીષણ ઠંડી અને બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એલઓસીથી સંલગ્ન પર્વતીય વિસ્તારોમાં ત્રણ-ચાર વખત બરફ વર્ષા થઈ ચૂકી છે, જેના કારણે હિમસ્ખલન અને બરફીલા તોફાનોનું જોખમ વધ્યું છે. પીઓકેમાં 150 જેટલા આતંકવાદી એલઓસી પર ઘુસણખોરી માટે તૈયારી કરી રહ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને જાણકારી મળી છે. આથી સેનાએ વિશેષ ટુકડીઓ તૈનાત કરી છે જે ભીષણ ઠંડીના વાતાવરણમાં પણ યુદ્ધ કરવામાં પ્રવીણ છે. આ જવાનો અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે.
જવાનો સફેદ યુનિફોર્મ પહેરી સુરક્ષા માટે તૈનાત
અહીં બરફીલી ચાદર વચ્ચે જવાનો વિશેષ સફેદ યુનિફોર્મ પહેરીને ફરી રહ્યાં છે, જેથી દુશ્મનને તેમની સ્થિતિ અંગે જોઈ વિગતો કે જાણકારી ના મળી શકે. આ જવાનો એક દોરડા વડે એક જ કતારમાં ચાલી રહ્યાં છે જેથી એકબીજાની સુરક્ષા કરી શકાય. આ સાથે 360 ડિગ્રી હાઈટેક પીટીઝેડ કેમેરા, થર્મલ ઇમેજિંગ, નાઈટ વિઝન કેમેરા, ગ્રાઉન્ડ સર્વેલન્સ રડાર અને મોશન સેન્સર વડે 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. આ સાધનો જવાનોને નીચા તાપમાન (-40 ડિગ્રી)માં પણ અસરકારક રીતે કામ કરી શકે છે.
આકાશમાંથી રાખવામાં આવી રહી છે બાજ નજર
થર્મલ સેન્સર અને ઉચ્ચ-રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનો (UAV) મુશ્કેલ ભૂપ્રદેશમાં આકાશમાંથી બાજની માફક નજર રાખવામાં આવે છે. નાઇટ વિઝન ગોગલ્સ (NVG) સૈનિકોને ઓછા પ્રકાશમાં પણ શંકાસ્પદ પ્રવૃત્તિ શોધવામાં મદદ કરી છે. સ્નો મોબાઇલ અને પેટ્રોલ વાહનો સૈનિકોને ઝડપથી પ્રતિક્રિયા આપવા સક્ષમ બનાવી રહ્યા છે. એટલે આ પ્રદેશમાં ભારતીય સેનાનો સામનો કરવો દુશ્મનો માટે અસંભવ છે.
બાંદીપોરા અને ઉડી સેક્ટરમાં આતંકી શિબિરો સક્રિય
પહેલા આતંકવાદીઓ બરફબારી વખતે ઘુસણખોરી નહોતા કરતા પરંતુ હવે તેમણે પોતાના પેટર્ન બદલી દીધી છે. આતંકીઓ હવે બરફબારી વચ્ચે જ ઘુસણખોરીનો પ્રયાસ કરે છે, જે પહેલાં નહોતું. કુપવાડા, બાંદીપોરા અને ઉડી સેક્ટરમાં આતંકી શિબિરો સક્રિય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોઈપણ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો જવાનો દ્વારા તરત જ કાર્યવાહી કરવામાં આવે છે.



