કાશ્મીર થઇ ગયું માલામાલ: નવા વર્ષને કારણે પર્યટકોની ભારે ભીડ, હોટેલ ફૂલ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાંથી બંધાણની કલમ 370 હટાવી લેવાયા બાદ આ કેન્દ્રશાસિત અને કુદરતી રીતે રમણીય પ્રદેશમાં શાંતિ અને ખુશહાલી આવી છે અને અહીં શાંતિ હોવાથી દેશભરમાંથી અહીં આવતા પર્યટકોની સંખ્યામાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વૃદ્ધિ થઇ ગઇ છે. આ વર્ષે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીર પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. કાશ્મીરના પ્રખ્યાત સ્થળો પરના હોટલના બધા રૂમ અત્યારથી જ ફૂલ છે. પર્યટકો અહીંની હીમવર્ષાનો નઝારો માણવા આવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ કાશ્મીર ખીણમાં, ખાસ કરીને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના પ્રખ્યાત સ્કીઇંગ રિસોર્ટ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં આવી રહ્યા છે. આને સકારાત્મક સંકેત ગણાવતા જમ્મુ કાશ્મીરના પર્યટન સચિવ જણાવે છે કે શિયાળાના મહિનાઓ પર્યટનની દ્રષ્ટિએ કાશ્મીર માટે સારા સાબિત થશે. સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. લોકોનો ધસારો જોતા લાગી રહ્યું છે કે આ વર્ષનો શિયાળો પર્યટકોની દ્દષ્ટિએ ખૂબ જ સફળ રહેશે. ગુલમર્ગ અને પહેલગામ જેવા સ્થળોની હોટલના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે.
નાતાલ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા માટે ગુલમર્ગ સંપૂર્ણ રીતે બુક થઈ ગયું છે. આ એક ખૂબ જ સકારાત્મક સંકેત છે. નોંધનીય છે કે ગુલમર્ગ, ઉનાળાની રાજધાની શ્રીનગરથી 50 કિમી ઉત્તરમાં 8,000 ફૂટની ઊંચાઈ પર સ્થિત પ્રવાસન સ્થળ છે, જેને ‘એશિયાનું સ્વિટ્ઝર્લેન્ડ’ પણ કહેવામાં આવે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે કાશ્મીરના લોકો અને તમામ હિતધારકોના ઉષ્માભરી આતિથ્ય સત્કારે જમ્મુ-કાશ્મીરના પર્યટનને પુનઃજિવીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પર્યટન વિભાગે નવા વર્ષની ઉજવણી કરનારા લોકો માટે અનુભવને યાદગાર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે, જેમાં સંગીત સંધ્યા, ફટાકડા શો, નાઇટ સ્કીઇંગ અને ટોર્ચ સ્કીઇંગનો સમાવેશ થાય છે. હિમવર્ષાને કારણે ખીણમાં વિવિધ સ્થળોએ પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે.
કરેન, ગુરેઝ જેવા પ્રવાસીઓ માટે નવા ખોલવામાં આવેલા સ્થળોએ પણ હવે પ્રવાસીઓ જવા માંડ્યા છે. ગુલમર્ગ, પહેલગામ અને શ્રીનગરની હોટલોમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા હોદ્દેદારોને આશા છે કે આગામી દિવસોમાં હિમવર્ષા સાથે પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થશે.
જોકે, એ સહકીકત છે કે માત્ર નવા વર્ષની ઉજવણી માટે જ નહીં, પણ જમ્મુ કાશ્મીર તમામ સીઝનનું સ્થળ બની ગયું છે અને સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં અહીં નોંધપાત્ર વધારો થયો છે. અહીંની અર્થવ્યવસ્થા મોટા ભાગે પર્યટન ક્ષેત્ર પર જ નિર્ભર છે. એવામાં સમગ્ર વર્ષ દરમિયાન અહીં પર્યટકોનો ધસારો રહેવાથી કાશ્મીરના લોકો માલામાલ થઇ ગયા છે.