કરુર નાસભાગ: મદ્રાસ હાઈ કોર્ટે CBI તપાસની અરજી ફગાવી, TVK નેતાના જામીન પણ રદ્દ

હાઈ કોર્ટે અરજીકર્તાને મદુરૈ પીઠ જવાનો નિર્દેશ કર્યો અને SIT તપાસ ચાલુ રાખવા જણાવ્યું
ચેન્નઈ: તમિલનાડુના કરુર ખાતે અભિનેતા વિજય થલપતિના રાજકીય પક્ષ TVKની રેલીમાં નાસભાગ થઈ ગઈ હતી. જેમાં 41 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાને લઈને પોલીસે વિજય પર ‘જાણીજોઈને શક્તિપ્રદર્શન’ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે રાજકીય પક્ષો દ્વારા આ ઘટનાને લઈને સીબીઆઈ તપાસ થાય એવી મદ્રાસ હાઈ કોર્ટમાં માંગ પણ કરવામાં આવી હતી. કરુર દુર્ઘટનાની સીબીઆઈ તપાસને લઈને મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અરજીકર્તાને મદુરૈ પીઠ જવાનો નિર્દેશ
ભાજપના નેતા ઉમા આનંદને 27 સપ્ટેમ્બરના રોજ કરુર દુર્ઘટનાને લઈને સીબીઆઈની તપાસની માંગ કરતી એક અરજી મદ્રાસ હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. જેને લઈને આજે મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મદ્રાસ હાઈ કોર્ટે પોતાની સુનાવણીમાં સીબીઆઈની તપાસની અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: કરુર નાસભાગ મુદ્દે થલપતિ વિજયે મૌન તોડ્યુંઃ CM સ્ટાલિનને વીડિયો બનાવીને આપી ચેલેન્જ
મદ્રાસ હાઈ કોર્ટે કરુર દુર્ઘટનાને લઈને સીબીઆઈની તપાસની માંગ ફગાવતા ભાજપના નેતા ઉમા આનંદનને મદુરૈ પીઠમાં જવાનો નિર્દેશ કર્યો હતો. કારણ કે આ દુર્ઘટના મદુરે પીઠના ન્યાયક્ષેત્રમાં આવે છે. મદ્રાસ હાઈ કોર્ટે જણાવ્યું હતું કે, કરુર દુર્ઘટનાની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) આસરા ગર્ગના નેતૃત્વમાં એક એસઆઈટીનું ગઠન કર્યું છે. કરુર પોલીસને દુર્ઘટનાના તમામ દસ્તાવેજો એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ટીવીકેના નેતાના આગોતરા જામીન ફગાવાયા
ઉલ્લેખનીય છે કે, 27 સપ્ટેમ્બરે વિજય થલપતિની રેલીમાં થયેલી નાસભાગ દરમિયાન હોસ્પિટલ પર પણ હુમલો થયો હતો. જેમાં ટીવીકે નેતા સતીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ધરપકડથી બચવા માટે સતીશ કુમારે મદ્રાસ હાઈ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેને પણ મદ્રાસ હાઈ કોર્ટ દ્વારા આજે ફગાવવામાં આવી હતી.