રાણા સાંગા પર વિવાદિત નિવેદનઃ સપાના સાંસદના ઘરે કરણી સેનાના કાર્યકરોએ કરી તોડફોડ, પોલીસે કર્યો લાઠીચાર્જ

આગ્રાઃ રાણા સાંગા પર વિવાદાસ્પદ નિવેદન આપીને સપા (સમાજવાદી પાર્ટી) રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાએ હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી.
લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. અચાનક થયેલા પથ્થરમારાને કારણે પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં કરવા માટે પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. આ હિંસક માહોલમાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિત અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
સાંસદ રામજીલાલ સુમનના નિવેદન બાદ ક્રોધે ભરાયેલા કરણી સેનાના કાર્યકર્તાઓ આજે તેમના નિવાસસ્થાન પર એકત્ર થયા હતા. કરણી સેનાના કાર્યકર્તા સૂત્રોચ્ચાર કરીને અંદર પ્રવેશવા માંગતા હતા.
આપણ વાંચો: ફરી કરણી સેના મેદાનમાં: અમદાવાદમાં ભરશે ક્ષત્રિયોનું મહા સંમેલન
આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર ખુરશી ફેંકવામાં આવતાં લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ અફરા તફરી મચી ગઈ હતી.
પોલીસે દેખાવકર્તાઓ પર લાઠીચાર્જ કરીને તેમને ભગાડ્યા હતા. આ દરમિયાન અનેક લોકોની અટકાયત કરવાાં આવી હતી. સાંસદના ઘરને ઘેરવાની તૈયારી સવારથી જ હતી.
અત્માદપુરમાં કરણી સેનાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. ત્યાં પણ પોલીસે તેમને રોક્યા હતા. કહેવાય છે કે કરણી સેનાના અમુક કાર્યકરો તો બુલડોઝર લઈને રામજીલાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોલીસે બુલડોઝર રોક્યું તો યુવાનો પાછળના દરવાજેથી આવીને તોડફોડ શરુ કરી હતી. ઘરની નજીકની કારની બારીના કાચ તોડી નાખવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ અને યુવાનો વચ્ચે મારામારી થઈ હતી.
રામજીલાલ સુમને એવું શું કહ્યું?
થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમનનો એક કથિત વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ રાણા સાંગા ”ગદ્દાર” છે અને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા જ બાબરને ભારત લાવ્યા હતા તેવું કહેતા સાંભળવા મળે છે. તેમના આ નિવેદનને લઈ કરણી સેનાના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા.