RSS પર પ્રતિબંધ લગાવવા સિદ્ધારમૈયાના પ્રયાસોને ઝટકો! કર્ણાટક હાઈકોર્ટે આપ્યો આદેશ

બેંગલુરુ: કર્ણાટકની કોંગ્રેસ સરકાર છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ(RSS)ની પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકવાનો પ્રયાસ કરી રહી છે, એવામાં કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. ખાનગી સંસ્થાઓને સરકારી પરિસરમાં કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા પહેલા પરવાનગી મેળવવા રાજ્ય સરકારના નિર્દેશો પર કર્ણાટક હાઈકોર્ટેની ધારવાડ બેન્ચે સ્ટે મુક્યો છે.
ન્યાયાધીશ નાગપ્રસન્નાની સિંગલ-જજ બેન્ચે સરકારના નિર્દેશ પર વચગાળાનો સ્ટે મુક્યો છે અને આ મામલાની વધુ સુનાવણી 17 નવેમ્બરના રોજ રાખવામાં આવી છે.
18 ઓક્ટોબરના રોજ કર્ણાટક સરકારે 2013નો એક આદેશ ફરીથી જાહેર કરી ખાનગી હેતુઓ માટે સરકારી શાળાના મેદાનના ઉપયોગ પર રોક લગાવવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે RSSનો પ્રવૃત્તિઓ પર રોક લાગવવા મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની સરકારે આ નિર્દેશો આપ્યા હતાં, જો કે સિદ્ધારમૈયાએ આ વાતનો ઇનકાર કર્યો હતો.
રાજ્ય સરકારના નિર્દેશો સામે પુનશ્ચૈતન્ય સેવા સંસ્થાએ અરજી દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે રાજ્ય સરકારના નિર્દેશો ખાનગી સંસ્થાઓના કાયદેસર પ્રવૃત્તિઓ કરવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
સરકારની ગાઈડલાઈન્સ:
આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા સરકારી આદેશમાં જાહેર અને સરકારી માલિકીની મિલકતોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે વિગતવાર ગાઈડલાઈન્સ આપવામાં આવી હતી. ગાઈડલાઈન્સ મુજબ કોઈપણ ખાનગી કે સામાજિક સંગઠન સરકારી શાળાઓ, કોલેજના મેદાનો અથવા અન્ય સંસ્થાકીય જગ્યાઓમાં સંબંધિત વિભાગોના વડાઓની લેખિત પરવાનગી વિના કાર્યક્રમો, સભાઓ અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકશે નહીં.
રાજ્ય સરકારે વહીવટીતંત્રને કર્ણાટક જમીન મહેસૂલ અને શિક્ષણ અધિનિયમ હેઠળનું ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
નોંધનીય છે કે કર્ણાટકના માહિતી ટેકનોલોજી અને બાયોટેકનોલોજી પ્રધાન પ્રિયંક ખડગેએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને પત્ર લખીને RSSના કાર્યક્રમોમાં ભાગ લેતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપવા વિનંતી કરી હતી.
આપણ વાંચો: CAG ટીમે રાજકીય દબાણ સામે ઝીંક ઝીલીને રૂ.1.86 કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે કરેલો ?



