
કર્ણાટક: કર્ણાટકની સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યના દરેક સરકારી કાર્યાલયો અને બેઠકોમાં પ્લાસ્ટિકની બોટલો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગાવી દીધો છે. આ આદેશ પ્રમાણે હવે રાજયાની દરેક સરકારી ઓફિસો અને કાર્યક્રમોમાં વપરાતા પીવાના પાણીમાં પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય રાજ્ય માટે અતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કારણ કે, પર્યાવરણની રક્ષા કરવી જરૂરી છે.
પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કર્ણાટકના મુખ્યપ્રધાનએ આદેશ આપતા કહ્યું કે, આ પહેલા પણ આવા આદેશ આપવામાં આવ્યાં હતા, પરંતુ રહે આ પ્રતિબંધ પણ કઠોરતાથી લાગુ કરવામાં આવ્યાં છે. દરેક વિભાગોને આદેશ આપવામાં આવ્યાં છે કે, તેઓ પોતાના વિભાગોમાં આ નિયમનું ફરજિયાતપણે પાલન કરાવે અને તેના માટે જરૂરી નિર્દેશો પણ સત્વરે જાહેર કરે. હવે જોવાનું એ છે કે, આ આદેશનું કર્ણાટક રાજ્યમાં કેટલું પાલન કરવામાં આવે છે.

કડક અમલ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં તમામ સરકારી કચેરીઓ અને સત્તાવાર બેઠકોમાં પીવાના પાણી માટે પ્લાસ્ટિક બોટલોને બદલે પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરવા માટે પહેલાથી જ સૂચનાઓ આપવામાં આવેલી છે. આનો હવે કડક અમલ કરવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ, મુખ્ય પ્રધાને સચિવાલય સહિત તમામ વિભાગોને મીટિંગો અને સત્તાવાર કાર્યક્રમોમાં આ નિર્દેશનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.
કર્ણાટકના દરેક સરકારી કાર્યક્રમમાં આ ડેરીની પ્રોડક્ટો જ વપરાશે
પ્લાસ્ટિકની બોટલ પર પ્રતિબંધ મુકવાની સાથે સાથે એક બીજો પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી રાજ્યમાં દરેક સરકારી બેઠક, કાર્યક્રમ, સચિવાયલ સહિતના દરેક સરકારી કાર્યાલયોમાં રાજ્યના જાહેર ક્ષેત્રની સંસ્થા કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) ના ખાદ્ય અને ડેરી ઉત્પાદનોમાં ‘નંદિની’ બ્રાન્ડનો જ ઉપયોગ કરવામાં આવશે. આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે તેવું મુખ્યપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેથી હવે દરેક સરકારી આયોજનોમાં ચા, કોફી, દૂધ અને અન્ય ડેરીની પ્રોડક્ટ માત્ર નંદિનીમાંથી લાવવામાં આવશે. આનું મુખ્ય કારણ રાજ્યની સ્થાનિક ડેરીસ ઉદ્યોગને પ્રાધાન્ય આપવાનું અને તેને વધારે મજબૂત કરવાનું છે.



