બેંગલુરુની સોફ્ટવેર એન્જિનિયર બની ‘ડિજિટલ ધરપકડ’ કૌભાંડનો શિકાર: ગુમાવ્યા ₹ 32 કરોડ…

બેંગલુરુઃ કર્ણાટકના સૌથી મોટા ડિજિટલ ધરપકડ કૌભાંડમાં એક ૫૭ વર્ષીય મહિલાએ છ મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા એક ડિજિટલ ધરપકડ કૌભાંડમાં લગભગ ૩૨ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યાર બાદ આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.
સીબીઆઇ અધિકારી બનીને છેતરપિંડી કરનારાઓએ તેને સતત સ્કાયપે દેખરેખ હેઠળ રાખીને ‘ડિજિટલ ધરપકડ’ને અંજામ આપ્યો હતો. તેઓએ ધરપકડની ધમકી આપીને તેણી પર તમામ નાણાકીય વિગતો શેર કરવા અને ૧૮૭ બેંક ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું.
શહેરના ઇન્દિરાનગરમાં રહેતી સોફ્ટવેર એન્જિનિયરે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેને છેતરપિંડી કરનારાઓ તરફથી ‘ક્લિયરન્સ લેટર’ ન મળ્યો ત્યાં સુધી સતત છ મહિના કરતાં વધુ સમય સુધી આ બધું ચાલ્યું હતું.
તેની શરૂઆત ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ના એક વ્યક્તિના ફોનથી થઇ હતી. જેણે પોતે ડીએચએલ અંધેરીનો હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો હતો કે તેણીના નામે બુક કરવામાં આવેલા પાર્સલમાં ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ અને એમડીએમએ છે તેમ જ તેની ઓળખનો દુરુપયોગ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.



