નેશનલ

કર્ણાટક કોંગ્રેસમાં વર્ચસ્વની લડાઈ! નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે આપ્યો મોટો સંકેત

બેંગલુરુ: છેલ્લા ઘણાં સમયથી કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે વચ્ચે વર્ચસ્વ માટે લડાઈ ચાલી રહી હોવાની ચર્ચા થઇ રહી છે. એવામાં ડીકે શિવકુમારે એક નિવેદન આપીને ચાલી રહેલી અટકળોને વેગ આપ્યો છે. તેમણે એવો સંકેત આપ્યો હતો કે તેઓ કર્ણાટક કોંગ્રેસ યુનિટના વડાનું પદ છોડી શકે છે.

બુધવારે બપોરે રાજ્યના પાટનગર બેંગલુરુમાં કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમમાં શિવકુમારે કહ્યું, “હું આ પદ પર કાયમી ધોરણે રહી શકું નહીં….સાડા પાંચ વર્ષ થઈ ગયા છે અને માર્ચમાં છ વર્ષ પુરા થશે.”

શિવકુમારે તેમના સમર્થકોને ફરીથી ખાતરી આપી પાર્ટીની નેતૃત્વ ટીમમાં રહેશે, તેમણે કહ્યું “ચિંતા ન કરતા… હું આગળની હરોળમાં રહીશ.”

શિવકુમારે કહ્યું, “જ્યારે મેં નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે હું આ પદ છોડી દેવા ઈચ્છતો હતો…પરંતુ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ મને આ પદ પર બની રહેવા કહ્યું. તેથી, હું આ જવાબદારી સંભાળતો રહ્યો.”

આ ટીપ્પણીને કારણે ચર્ચાનો માહોલ ગરમાયો:

કાર્યક્રમ બાદ શિવકુમારે પત્રકારો સાથે વાત કરતા એક ટીપ્પણી કરી જેની ચર્ચા થઇ રહી છે. તેમણે કહ્યું, “હું એક ઉદાહરણ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યો છું, કોઈ પણ વ્યક્તિ કાયમી પદ પર ન રહી શકે…”
મંગળવારે પણ શિવકુમારે બીજી એક ટિપ્પણી કરી; તેમણે કહ્યું હતું કે “જેઓ સખત મહેનત કરે છે તેમને મહત્વાકાંક્ષાઓ હોય છે. એમાં ખોટું શું છે?”

તેમણે આ ટીપ્પણી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને સંબોધીને કરી હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે આ વર્ષે જૂન અને જુલાઈમાં શિવકુમારના સમર્થકોએ સિદ્ધારમૈયાને પદ છોડવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચો…ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે! કોંગ્રેસ MLAના નિવેદન બાદ અટકળો શરુ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button