કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ? DK શિવકુમારે ધારાસભ્યોને આપી સ્પષ્ટ ચેતવણી

બેંગલુરૂ: કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા ને હજુ બે વર્ષ જેટલો જ સમય થયો છે ત્યાં તો સત્તાપક્ષના ધારાસભ્યો વચ્ચે જૂથવાદ ઊભો થયાની અટકળો સામે આવી રહી છે. કેટલાક ધારાસભ્યો ઇચ્છે છે કે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. આ બધી અટકળો વચ્ચે ડીકે શિવકુમારે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
હું કોઈની ભલામણ ઇચ્છતો નથી
મીડિયા સાથે વાત કરતા કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે જણાવ્યું કે, “કોંગ્રેસ પક્ષમાં કોઈ જૂથવાદ નથી અને અમે એક છીએ. હું મારા કોઈ પણ ધારાસભ્ય પાસેથી કોઈ ભલામણ ઇચ્છતો નથી. મારી ફરજ પાર્ટી શિસ્તને વધુ મજબૂત બનાવવાની છે. આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને 2028ની વિધાનસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.”
આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસમાં ડખાઃ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથેની બેઠકમાં રાહુલ ગાંધી થયા નારાજ?
વધુ બોલનાર સામે પક્ષ કાર્યવાહી કરશે
ડીકે શિવકુમારે આગળ જણાવ્યું કે “હું નથી ઇચ્છતો કે કોઈ ધારાસભ્ય બોલે. વધુ પડતું બોલનારાઓ સામે પાર્ટી હાઈકમાન્ડ ચોક્કસપણે કાર્યવાહી કરશે. હું નથી ઇચ્છતો કે કોઈ મારૂં સમર્થન કરે. અમે અંદરોઅંદર ચર્ચા કરીને સમસ્યાઓનું નિરાકરણ લાવીશું. નેતૃત્વમાં કોઈ ફેરફાર થયો નથી. વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી એ મારી પ્રાથમિકતા છે.”
સામાન્ય માણસ સાથે ઊભા રહેવાની ફરજ
રેલવે ભાડાં વધારા અંગે તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર સતત પેટ્રોલ, ડીઝલ અને હવે રેલવે ભાડામાં વધારો કરી રહી છે. સામાન્ય માણસ સાથે ઊભા રહેવું એ આપણી ફરજ છે. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર અશોક અને કર્ણાટક ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ આ અંગે પ્રતિક્રિયા આપવી જોઈએ.” આ રીતે તેમણે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: શોકિંગઃ ઓટો ડ્રાઈવરના હુમલા બાદ ગોવાના પૂર્વ ધારાસભ્યનું મોત
ડીકે શિવકુમારે પક્ષ માટે બલિદાન આપ્યું
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇકબાલ હુસૈને પોતાના જ પક્ષના નેતૃત્વ સામે બળવાખોર બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તાજેતરમાં તેમણે જણાવ્યું હતું કે પક્ષે નેતૃત્વ બદલવું પડશે. અમે પરિવર્તન ઇચ્છીએ છીએ. અમે ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્ય પ્રધાન બનાવીશું. તેમણે (ડીકે શિવકુમાર) પાર્ટી માટે જે બલિદાન આપ્યું છે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. જો તમે મને સસ્પેન્ડ કરવા માંગતા હો, તો કરી શકો છો. જો હું મારો અભિપ્રાય ન આપી શકતો હોવ તો મને નોટિસ આપો.
કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની યોજના નથી
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ પક્ષની આંતરિક બાબતો અંગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બે દિવસની બેઠક યોજી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, “અમે અમારા ધારાસભ્યો સાથે મુલાકાત કરી રહ્યા છીએ અને તેમના વિસ્તારોમાં થયેલા કામનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. અમે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે અભિપ્રાય માંગી રહ્યા નથી.”