કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરથી જાતિ ગણતરી શરૂ કરાશે! સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા

બેંગલુરૂઃ કર્ણાટકામાં ફરી એકવાર જાતિગત વસ્તી ગણતરી થવાની છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે જણાવ્યું કે, રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક સર્વે જેને સામાન્ય રીતે જાતિગત વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે, તે આગામી 22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ અંદાજે 420 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, આ સર્વે વૈજ્ઞાનિક રીતે હાથ ધરવામાં આવશે. તેના માટે 60 પ્રશ્નો સાથેની પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવી છે.
22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે આ સર્વેક્ષણ
વધુમાં વિગત આપતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ મધુસૂદન આર નાઈકની અધ્યક્ષતામાં સાત કરોડ લોકોની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને જાણવા માટે આ નવું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આયોગ દ્વારા સત્વરે આ સર્વેક્ષણ પૂર્ણ કરીને તેને રિપોર્ટ જમા કરવામાં માટે કહેવામાં આવ્યું છે. જ્યારે આયોગે કહ્યું કે, આ સર્વેક્ષણને સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરીને રિપોર્ટ જમા કરાવી દેવામાં આવશે.
સર્વેક્ષણ માટે રાજ્ય સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા
આ સર્વેક્ષણમાં સરકારી શિક્ષકોની ખાસ મદદ લેવામાં આવશે. દશેરાની રજાઓ દરમિયાન શિક્ષકોને આ કામ સોંપવામાં આવશે. મુખ્યપ્રધાને કહ્યું કે, આશરે 1,75,000 શિક્ષકોનો આ સર્વેક્ષમ માટે સહયોગ લેવામાં આવશે. આ દરમિયાન તે શિક્ષકોને 20,000 રૂપિયા પણ આપવામાં આવશે. 1,75,000 શિક્ષકોને 20 -20 હજાર રૂપિયા એટલે રાજ્ય સરકાર પર રૂપિયા 325 કરોડનો ખર્ચ આવશે. આ સર્વેક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 420 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ જો આ સર્વેક્ષણાં ખર્ચ વધી જાય છે તો પણ રાજ્ય સરકાર દ્વારા વધારે રૂપિયા ફાળવામાં આવશે. તેવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.