“આઈ લવ મોહમ્મદ ” લખતા FIR! ઓમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

શ્રીનગર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં બરાવફાત (ઈદ મિલાદ-ઉન-નબી) ના જુલુસ દરમિયાન રસ્તાઓ પર “આઈ લવ મોહમ્મદ” લખેલા બોર્ડ લગાવવા બદલ પોલીસે FIR નોંધતા વિવાદ છેડાયો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ઉત્તર પ્રદેશ પોલીસની આ કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને પોતના ધર્મનું પાલન કરવાના લોકોના બંધારણીય અધિકાર પર ભાર મુક્યો.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે પયગંબર મુહમ્મદ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવો એ ગુનો કેવી રીતે હોઈ શકે? તેમણે અદાલતોને ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરી.
4 સપ્ટેમ્બરના રોજ બરાવફાત (ઈદ મિલાદ-ઉન-નબી) ના જુલુસ દરમિયાન જાહેર રસ્તા પર “આઈ લવ મોહમ્મદ” લખેલા બોર્ડ જોવા મળ્યા હતાં. કેટલાક હિન્દુત્વવાદી સંગઠનોએ વાંધો ઉઠાવ્યો, તેમણે ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો. કાનપુર પોલીસે 9 સપ્ટેમ્બરના રોજ નવ લોકો પર નામ સાથે અને 15 અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી હતી.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પોલિસના આ એક્શન અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ આ મુદ્દો રાષ્ટ્રીયસ્તરે ચર્ચામાં આવ્યો. ઓવૈસીએ ભાર મુક્યો કે “આઈ લવ મુહમ્મદ” લખવું એ ગુનો નથી.
માનસિક રીતે અસ્વસ્થ માણસ જ આવું કરી શકે:
જમ્મુ અને કશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ ત્રણ શબ્દો લખવા પર કેસ દાખલ કરનાર વ્યક્તિ ખરેખર માનસિક રીતે અસ્વસ્થ હોવો જોઈએ. પત્રકારો સાથે વાત કરતા ઓમાર અબ્દુલ્લાએ કહ્યું, “આ શબ્દો લખવા સામે કોઈને વાંધો કેમ હોઈ શકે? આ ત્રણ શબ્દોથી કોને વાંધો હોઈ શકે? મને સમજાતું નથી કે આ ત્રણ શબ્દો લખવાથી ધરપકડ કેવી રીતે થઈ શકે છે. કેસ દાખલ કરનાર શખ્સ ખરેખર માનસિક રીતે અસ્વસ્થ હોવો જોઈએ. આશા છે કે કોર્ટ ઝડપથી કાર્યવાહી કરે.”
અન્ય ધર્મના લોકો દેવતાના નામ નથી લખતા?
ઓમાર અબ્દુલ્લાહે પ્રશ્નો ઉઠાવ્યા,”અન્ય ધર્મોનું પાલન કરનારા તેમના દેવતાઓનું નામ નથી લખતા? શું આપણા શીખ ભાઈ-બહેનો તેમના ગુરુઓ વિશે નથી લખતા? શું આપણા હિન્દુ ભાઈ-બહેનો તેમના વિવિધ દેવતાઓ વિશે નથી લખતા? જમ્મુ અને કાશ્મીરની બહાર ગમે ત્યાં જાઓ, અને તમને ભાગ્યે જ કોઈ વાહન મળશે જેમાં કોઈ દેવતાનું ચિત્ર ન હોય. જો એ ગેરકાયદેસર નથી, તો આ કેવી રીતે હોય શકે છે?”