14 મહિનામાં કંગનાને રાજકારણથી મોહભંગ થયો કે શું, જાણો અનુભવો?

નવી દિલ્હી: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયનો પરચમ લહેરાવ્યા બાદ કંગના રનૌતે રાજકારણમાં ઝંપલાવ્યું અને તે હિમાચલના સંસદીય મતવિસ્તાર મંડીથી 2024ની લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાઈ આવી છે. પોતાના સાંસદ તરીકેના 14 મહિનાના કાર્યકાળમાં કંગના રનૌતને ઘણા સારા-નરસા અનુભવ થયા છે. જેને તેણે રવિ ઈન એર નામના પોડકાસ્ટ શોમાં શેર કર્યા છે. જેમાં કંગનાએ એમ પણ કહ્યું છે કે, રાજકારણે મને બિલકુલ ખુશી આપી નથી. કંગનાએ આવું કેમ કહ્યું? આવો જાણીએ.
કંગનાનો રાજકારણમાંથી મોહભંગ થયો?
રવિ ઈન એર નામના પોડકાસ્ટ શોમાં કંગના રનૌતે પોતાના અનુભવ અંગે જણાવ્યું કે, “હું એમ નહીં કહું કે હું રાજકારણનો આનંદ માણી રહી છું. તે ખૂબ જ અલગ પ્રકારનું કાર્ય છે, સમાજ સેવા જેવું. આ મારી પૃષ્ઠભૂમિ રહી નથી. મેં ક્યારેય લોકોની સેવા કરવાનું વિચાર્યું નથી.” મહિલા અધિકારો પર પોતાના સ્પષ્ટ વલણ માટે જાણીતા રનૌતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “ભૂતકાળમાં તેમની સક્રિયતા જાહેર પદની જવાબદારીઓથી તદ્દન અલગ હતી.”
લોકો પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને આવે છે
પોડકાસ્ટમાં સાંસદ કંગના રનૌતે પોતાના મત વિસ્તાર અંગે જણાવ્યું કે, મતદારો ઘણીવાર મારી પાસે ખૂબ જ પાયાના સ્તરની સમસ્યાઓ લઈને આવે છે. હું મહિલાઓના અધિકારો માટે લડી છું, પણ એ વાત અલગ છે… કોઈની ગટર તૂટેલી છે અને હું કહું છું કે હું સાંસદ છું અને લોકો મારી પાસે પંચાયત સ્તરની સમસ્યાઓ લઈને આવી રહ્યા છે. તેમને કોઈ પરવા નથી. જ્યારે લોકો મને જુએ છે, ત્યારે તેઓ તૂટેલા રસ્તા જેવી સમસ્યાઓ લઈને મારી પાસે આવે છે. હું તેમને કહું છું કે તે રાજ્ય સરકારનો મુદ્દો છે, અને તેઓ કહે છે, ‘તમારી પાસે પૈસા છે, તમે તમારા પોતાના પૈસા વાપરો.”
કંગના રનૌતના મત વિસ્તારમાં વાદળ ફાટ્યું
તાજેતરમાં કંગનાના સંસદીય મતવિસ્તાર મંડીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. પરંતુ કંગનાએ પોતાના મત વિસ્તારની મુલાકાતમાં મોડું કર્યું હતું. જેથી કોંગ્રેસે કંગના પર તેના મતવિસ્તારની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ત્યારબાદ કંગના રનૌતે અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લઈને સ્થાનિકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
હિમાચલ પ્રદેશના 200થી વધુ રસ્તા બંધ
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ હવામાન ખરાબ છે. મંડી જિલ્લામાં વાદળ ફાટવા અને પૂર સંબંધિત ઘટનાઓને કારણે 14 લોકોના મોત થયા છે. વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં 200 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે.