નેશનલ

દૂષિત પાણી અંગેનો સવાલ ઈન્દોરના MLAને ફાલતુ લાગ્યો: પત્રકાર સાથે કર્યું અભદ્ર વર્તન, વીડિયો થયો વાયરલ

ભોપાલ: મધ્ય પ્રદેશનું ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર કહેવાય છે. પરંતુ આ સૌથી સ્વચ્છ શહેરમાં દૂષિત પાણી પીવાના કારણે સાત લોકોના મોત થયા છે. જયારે 40 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઈન્દોરના મેયરે પૃષ્ટી કરી છે કે, શહેરના સાત લોકોના દૂષિત પાણી પીવાના કારણે મોત થયા છે. સૌથી સ્વચ્છ ગણાતા શહેરમાં સામે આવેલી આ બેદરકારી અંગે મધ્ય પ્રદેશ સરકારના એક પ્રધાનને પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો. પરંતુ પ્રધાને જવાબ આપવાને બદલે પત્રકાર સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

ફાલતુ સવાલ ન પૂછો

ઇન્દોરના ભાગીરથપુરમાં દૂષિત પાણી પીવાના કારણે સાત લોકોના મોત થયા છે. ભાગીરથપુર ઇન્દોર-1 વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જેના ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીય છે. જેઓ હાલ, મધ્ય પ્રદેશ સરકારની કેબિનેટમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ તથા પાર્લામેન્ટ્રી અફેર પ્રધાન પણ છે. તેમના વિધાનસભા મતવિસ્તારમાં થયેલી બેદરકારીને લઈને મીડિયાના એક પત્રકાર દ્વારા એક સવાલ પૂંછવામાં આવ્યો હતો.

બુધવારે એમજીએમ મેડિકલ કોલેજમાં મુખ્ય પ્રધાન સાથે બેઠક કર્યા બાદ કેબિનેટ પ્રધાન કૈલાશ વિજયવર્ગીય બહાર નીકળ્યા હતા, ત્યારે એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે, ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હજુ સુધી રિફંડ કેમ નથી મળ્યું અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કેમ ન કરવામાં આવી? પત્રકારનો આ સવાલ સાંભળીને કૈલાશ વિજયવર્ગીય ભડકી ઊઠ્યા હતા.

પત્રકાર પર ભડકેલા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, “અરે છોડો યાર, ફાલતું પ્રશ્નો ના પૂછ્યા કરો.” પોતાના પ્રશ્નને ફાલતું ગણાવવા પર પત્રકારે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે કૈલાશ વિજયવર્ગીય અભદ્ર ભાષા પર ઉતરી આવ્યા હતા અને પોતાની વાત સાચી છે, એ વાત પર કાયમ રહ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકરતા કૈલાશ વિજયવર્ગીયએ માફી માગી લીધી છે.

કૈલાશ વિજયવર્ગીયએ પોતાના એક્સ હેન્ડલ પર માફી માગતા લખ્યું કે, હું અને મારી ટીમ છેલ્લા બે દિવસથી નિંદ્રા ત્યાગીને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત પરિસ્થિતિ સુધારવાના કામમાં લાગેલા છીએ. દૂષિત પાણી પીવાથી મારા લોકો પીડિત છે અને કેટલાક અમને છોડીને ચાલ્યા ગયા, આ ગાઢ દુ:ખની પરિસ્થિતિમાં મીડિયાના એક પ્રશ્ન પર મારાથી ખોટા શબ્દનો પ્રયોગ થઈ ગયો હતો. તેના માટે હું માફી માંગુ છું. પરંતુ જ્યાં સુધી મારા લોકો સંપૂર્ણ રીતે સલામત અને સ્વસ્થ નહીં થઈ જાય, હું શાંત બેસીશ નહીં.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button